અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે જિલ્લામાં ભૂકંપનો અનુભવ થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે 1.14 વાગ્યે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ધરા ધ્રુજતા અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ છે. આંચકાનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 41 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં નોંધાયું હતું. અગાઉના દિવસે પણ અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ બીજા દિવસે ફરી આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જોકે, આ ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનહાની કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. વહીવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં વારંવાર અનુભવાતા આ પ્રકારના આંચકાઓ ભૂસ્તરશાસ્ત્રીઓ માટે પણ અભ્યાસનો વિષય બન્યા છે. સ્થાનિકોને સાવચેત રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ગઈકાલે વહેલી સવારથી જ ધરતી ધ્રૂજવાનો સિલસિલો શરૂ થયો હતો. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં એક પછી એક ભૂકંપના આઠ આંચકા અનુભવાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. વહેલી સવારના 3:38 વાગ્યાથી શરૂ કરીને 8:00 વાગ્યા સુધીમાં આઠ વખત ધરા ધ્રૂજી હતી.
ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના ડેટા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલી શહેરથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર વહેલી સવારે 3.58 વાગ્યે 3.3, 4.15 વાગ્યે 1.8, 4.16 વાગ્યે 2.3, 4.24 વાગ્યે 1.0, 4.57 વાગ્યે 1.4, 7:00 વાગ્યે 2.2, 7.15 વાગ્યે 3.58 અને 7.51 વાગ્યે 1.5ની તીવ્રતા નોંધાઈ હતી.
ભૂકંપનું મુખ્ય કેન્દ્ર મીતીયાળા ગામ રહ્યું હતું, પરંતુ તેની ધ્રુજારી આસપાસના ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધીના ગામોમાં પણ અનુભવાઈ હતી. ખાસ કરીને સવારે 7:15 વાગ્યે આવેલા 3.58ની તીવ્રતાના તેજ આંચકાએ લોકોને ભયભીત કરી દીધા હતા. આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘર છોડીને બાળકો અને વૃદ્ધો સાથે ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.