BREAKING NEWS

સૌરાષ્ટ્રના પેટાળમાં હલચલ તેજ બની... રાજુલા-જાફરાબાદમાં રાતે 3.5ની તીવ્રતાનો ભૂકંપઃ લોકો જાગીને ઘર બહાર દોડી આવ્યા

  • April 10, 2026 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં ભૂસ્તરીય હલચલ તેજ બની હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફાળ પડી હતી. ખાસ કરીને રાજુલા, જાફરાબાદ અને મહુવા પંથકમાં રાત્રિના સમયે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજી ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આ આંચકાથી અનેક વિસ્તારોમાં લોકો ડરના માર્યા ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.


પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે ૨:૨૪ વાગ્યા આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૫ નોંધાઈ હતી. સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાવનગર જિલ્લાનું મહુવા નોંધાયું હતું, જે મહુવાથી આશરે ૩૨ કિલોમીટર દૂર સ્થિત હતું. મોડી રાત્રે આવેલા આ આંચકાની અસર અમરેલીના પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિત ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી.

સદનસીબે, કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. અમરેલી જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકાઓનું કેન્દ્ર બની રહ્યો છે. પીપાવાવ પોર્ટ અને કોસ્ટલ બેલ્ટમાં વસતા લોકોએ જણાવ્યું હતું કે રાત્રિના શાંત વાતાવરણમાં એકાએક ગડગડાટ જેવો અવાજ આવ્યો અને મકાનો ધ્રુજવા લાગ્યા હતા. સાવરકુંડલા અને ખાંભા પંથકમાં પણ લોકોએ આંચકા અનુભવ્યા હોવાની પુષ્ટિ કરી છે. વહીવટી તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાને બદલે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application