સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભૂસ્તરીય હલચલ યથાવત રહી છે. આજે વહેલી સવારે જ્યારે સમગ્ર પંથક ભરનિંદ્રામાં હતો, ત્યારે ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે 3:58 વાગ્યે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાઈ હતી.
વહેલી સવારે આવેલા આ આંચકાને કારણે અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરના વાસણો અને બારી-બારણાં ધ્રુજવા લાગ્યા હતા. અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા. અનેક પરિવારો નાના બાળકો અને વૃદ્ધો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 42 કિમી દૂર નોંધાયું હતું. જમીનમાં થયેલી આ હલચલને કારણે આસપાસના તાલુકાઓમાં પણ તેની અસર જોવા મળી હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મિલકતને મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
છેલ્લા કેટલાક સમયથી અમરેલી અને ખાસ કરીને સાવરકુંડલા-ખાંભા પંથકમાં ભૂકંપના નાના-મોટા આંચકા આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અવારનવાર આવતા આ 'ભૂકંપના આંચકા'ને કારણે સ્થાનિકોમાં કાયમી ડર જોવા મળી રહ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ પંથકમાં આવેલી લોકલ ફોલ્ટ લાઈનમાં થતી હલચલને કારણે આ પ્રકારના આંચકા અનુભવાય છે.
વારંવાર ધ્રુજતી ધરતીને કારણે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા અને ભૂકંપના સમયે અનુસરવાના થતા સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.