રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર (ISR) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 04:57 કલાકે 2.7ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટા શહેરથી 26 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું હતું. તેની ઊંડાઈ જમીન સપાટીથી 12 કિલોમીટર નીચે હતી.
ભૂકંપમાં કોઈ જાનહાનિ નહીં
વહેલી સવારે આંચકા અનુભવાયા હોવા છતાં, કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી ઘણાને આ આંચકાનો ખ્યાલ પણ નહોતો આવ્યો. જોકે, કેન્દ્રબિંદુ નજીકના ગામડાઓમાં કેટલાક જાગૃત નાગરિકોએ હળવી ધ્રુજારી અનુભવી હતી.
ભૂસ્તરશાસ્ત્રીઓ અનુસાર, સૌરાષ્ટ્રની ભૌગોલિક રચનામાં ફોલ્ટ લાઈન્સ સક્રિય રહેતી હોવાથી આવા નાના આંચકા સામાન્ય છે. 2.7ની તીવ્રતાનો આંચકો ભયજનક નથી, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.
તંત્રએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ
ભૂકંપની સતત ગતિવિધિને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.તંત્રએ ખાસ કરીને જૂના અથવા જર્જરિત બિલ્ડિંગમાં રહેતા લોકોએ તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું જોઈએ. કોઈપણ જોખમી ઘટના બને તો તુરંત નગરપાલિકાને જાણ કરવી અને મેડિકલ ઈમરજન્સી માટે 108નો સંપર્ક કરવા જણાવ્યું છે.
લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ
હાલ ઉપલેટામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી. વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે