BREAKING NEWS

જામનગર  : શિક્ષણનો કચ્ચરઘાણ,ત્રિમાસીક કસોટીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો ફતવો.!

  • February 06, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર સહીત રાજયભરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા એટલે કે એસઆઇઆરની કામગીરીમાં મોટાભાગના શિક્ષકોને બીએલઓની ફરજ સોંપવામાં આવતા સરકારી શાળાઓમાં અભ્યાસ મહદઅંશે ઠપ્પ થયો છે. આ કટોકટીભરી સ્થિતિમાં પણ નીતનવા ફતવાથી શિક્ષણનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. જેનું વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, શાળાઓમાં ત્રીમાસીક કસોટી દુરમ્યાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો ફતવારૂપી પરિપત્ર કરાયો છે. આટલું જ નહીં  આ કાર્યક્રમમાં વધુને વધુ વિધાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોડાય તે માટે શાળાઓના સમયમાં આનુસંગીક ફેરફાર કરવા પણ આદેશ કરાયો છે. ત્યારે વિધાર્થીઓ પેપર આપશે કે કાર્યક્રમ નિહાળશે અને સરકારી શાળાઓનો મૃત્યઘંટ વગાડવાની પેરવી કે શું તે સળગતો સવાલ વધુ એક વખત ઉઠ્યો છે.


જામનગર શહેર-જિલ્લા સહીત રાજયની તમામ સરકારી શાળાના આચાર્યને ધો.૩ થી ૮ માં દ્રીતીયસત્રની ત્રિમાસીક કસોટીના આયોજન કરવા જીસીઇઆરટી દ્રારા પરિપત્ર કરાયો હતો. જેમાં જણાવ્યાનુસાર આ કસોટી તા.૨ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવા જણાવાયું હતું. આટલું જ નહીં શિક્ષકે ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિધાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવા ફરમાન કરાયું હતું. અ કસોટીના પેપર લર્નીંગ આઉટકમ્સના આધારે તૈયાર કરવા તેમજ તેમાં હેતુલક્ષી, અતિ ટૂંક જવાબી અને નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પશ્ર્નોનો સમાવેશ કરવા પણ સૂચના અપાઇ હતી. આ કસોટીમાં ૩૦ ટકા પ્રશ્ર્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જેવી કસોટીમાં પૂછાતા એમસીકયુ પ્રકારના પૂછવાના રહેશે. 


પરંતુ મોટાભાગના શિક્ષકો એસઆઇઆરની કામગીરીમાં રોકાયેલા હોય ત્રિમાસીક કસોટીના પ્રશ્ર્ન પેપર કેવી રીતે તૈયાર કરવા તે સળગતો સવાલ ઉઠ્યો હતો. આટલું જ નહીં શાળાઓમાં ત્રિમાસીક કસોટી શરૂ પણ થઇ ગઇ છે. આ સ્થિતિમાં તા.૫-૨-૨૦૨૬ના પ્રાથમિક શિક્ષણ નિયામક અને ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવે જામનગર સહીત રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો પરિપત્ર કર્યો છે.

​​​​​​​જેમાં જણાવ્યાનુસાર પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચા-૨૦૨૬ કાર્યક્રમ અંતર્ગત તા.૬-૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યે પીએમના વિધાર્થીઓ સાથેના સંવાદનું પ્રસારણ જુદા માઘ્યમો અને પ્લેટફોર્મ પરથી થશે. ત્યારે આ કાર્યક્રમમાં વધુને વધુ વિધાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોડાય તે માટે પ્રાથમિક,માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓના સમયમાં આનુસંગીક ફેરફાર કરવા જણાવાયું છે. ત્યારે ધો.૩ થી ૮ માં ત્રીમાસીક કસોટી વચ્ચે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના ફતવારુપી પરિપત્રથી આશ્ર્ચર્ય સર્જાયું છે. કારણ કે, વિધાર્થીઓ ત્રિમાસીક કસોટીના પેપર આપશે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળશે તે એક સળગતો સવાલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application