BREAKING NEWS

પરોઢિયે અમરેલી પંથક ધ્રુજી ઉઠ્યું, 4 કલાકમાં ભૂકંપના આઠ આંચકાઃ લોકો ભરનિંદ્રામાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા

  • April 08, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે વહેલી સવારથી જ ધરતી ધ્રૂજવાનો સિલસિલો શરૂ થયો હતો. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં એક પછી એક ભૂકંપના આઠ આંચકા અનુભવાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. વહેલી સવારના 3:38 વાગ્યાથી શરૂ કરીને 8:00 વાગ્યા સુધીમાં આઠ વખત ધરા ધ્રૂજી હતી.


ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના ડેટા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલી શહેરથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર વહેલી સવારે 3.58 વાગ્યે 3.3, 4.15 વાગ્યે 1.8, 4.16 વાગ્યે 2.3, 4.24 વાગ્યે 1.0, 4.57 વાગ્યે 1.4, 7:00 વાગ્યે 2.2, 7.15 વાગ્યે 3.58 અને 7.51 વાગ્યે 1.5ની તીવ્રતા નોંધાઈ હતી.


ભૂકંપનું મુખ્ય કેન્દ્ર મીતીયાળા ગામ રહ્યું છે, પરંતુ તેની ધ્રુજારી આસપાસના ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધીના ગામોમાં પણ અનુભવાઈ હતી. ખાસ કરીને સવારે 7:15 વાગ્યે આવેલા 3.58ની તીવ્રતાના તેજ આંચકાએ લોકોને ભયભીત કરી દીધા હતા. આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘર છોડીને બાળકો અને વૃદ્ધો સાથે ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.


મીતીયાળા પંથકમાં આ રીતે ટૂંકા સમયમાં વારંવાર ભૂકંપ આવવાની આ પ્રથમ ઘટના હોવાથી લોકોમાં ચિંતા વધી છે. ગ્રામજનોમાં એવી દહેશત જોવા મળી રહી છે કે શું આ નાના આંચકા કોઈ મોટા વિનાશક ભૂકંપના એંધાણ છે? જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.


વહીવટી તંત્ર અને સિસ્મોલોજી વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને ગભરાવાને બદલે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. અવારનવાર આવતા આંચકાઓને કારણે લોકોએ રાત્રિના સમયે પણ સતર્ક રહેવાનું શરૂ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application