સુરતના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સરોલી વિસ્તારમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. સરોલી સ્થિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે થોડી જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે ઊઠેલા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
આગ લાગ્યાની જાણ થતાં જ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી કુલ 8 જેટલી ફાયર ફાઈટિંગ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવવા સાથે માર્કેટની અંદર ફસાયેલા મજૂરો અને વેપારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
માર્કેટની અંદર સાંકડી ગલીઓ અને કાપડના થરોથી ભરેલા ગોડાઉનો હોવાને કારણે ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ સતત પાણીનો મારો ચલાવી આગને અન્ય દુકાનો અને ગોડાઉનમાં ફેલાતી અટકાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. લાંબી મહેનત બાદ આગ પર અંશતઃ કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલ સુધીની પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જે રાહતજનક બાબત છે. જોકે, માર્કેટમાં સંગ્રહિત મોટા પ્રમાણમાં કાપડના જથ્થાને કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે. સતત વધી રહેલી આગની ઘટનાઓને લઈને સુરતના ટેક્સટાઇલ માર્કેટની સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.