BREAKING NEWS

બેબીસીયા અને સીડીવી વાયરસનો કહેરઃ ગીરના જંગલમાં પાંચ સિંહબાળ સહિત આઠ સિંહના મોત

  • May 26, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતનું ગૌરવ અને સમગ્ર એશિયા ખંડમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર જીવલેણ રોગચાળાનું મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગના વિસ્તારોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને બેબીસિયા જેવા અત્યંત ઘાતક વાયરસના કારણે ટૂંકા ગાળામાં પાંચ સિંહબાળ અને ત્રણ પુખ્ત સાવજ સહિત કુલ ૮ સિંહોના મોત નીપજ્યા છે. આ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને ગીરની શાન ગણાતા આ ડાલામથ્થાઓને બચાવવા માટે યુદ્ધના ધોરણે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, વન્યજીવોના મોતોનો આ સિલસિલો ગીરના અલગ-અલગ વિસ્તારોમાં વ્યાપેલો છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં બે સિંહોના ભેદી બીમારીના કારણે મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ અન્ય બેથી વધુ સિંહોના મોત નોંધાતા વનતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. જંગલમાં વસતા આ વન્યજીવો ટપોટપ મોતને ભેટી રહ્યા હોવાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ અને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.


વનવિભાગના સત્તાવાર અહેવાલો અને પ્રાથમિક તપાસ મુજબ, આ જીવલેણ રોગચાળાની સૌથી વધુ ઘાતક અને કરુણ અસર સિંહબાળો પર જોવા મળી રહી છે. નાની ઉંમરના આ વનરાજ પોતાની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે વાયરસ સામે ટકી શકતા નથી. વનવિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ લીલીયા રેન્જમાં સંક્રમણના કારણે એક સિંહબાળનું મોત નીપજ્યું છે. સાવરકુંડલા રેન્જમાં પણ એક સિંહબાળ રોગની ઝપેટમાં આવી જતા મૃત્યુ પામ્યું છે. સરસિયા રેન્જમાં એક સિંહબાળનું મોત થતાં વનવિભાગની ચિંતા બમણી થઈ ગઈ છે.


જંગલમાં રોગચાળો આગળ વધતો અટકાવવા અને અન્ય સિંહોના અમૂલ્ય જીવ બચાવવા માટે વનતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એક મેગા એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતે ગીરની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે.


રોગચાળાની તીવ્રતાને જોતા, ધારી સરસિયા રેન્જમાંથી સંક્રમિત હોવાની આશંકા ધરાવતા આઠ સિંહોના આખેઆખા જૂથને વનવિભાગની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ તમામ સિંહોને હાલ એનિમલ કેર સેન્ટર ખાતે સઘન ઓબ્ઝર્વેશન હેઠળ આઈસોલેટ કરીને રાખવામાં આવ્યા છે. જંગલ વિસ્તારમાં વનરક્ષકો, ટ્રેકર્સ અને વાઇલ્ડલાઇફ ડોક્ટરોની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા જંગલના ખૂણે-ખૂણા ખૂંદીને સૌપ્રથમ અશક્ત, બીમાર અને નબળા દેખાતા સિંહોને શોધી કાઢવામાં આવી રહ્યા છે, જેથી કરીને સમયસર તેમની તબીબી સારવાર શરૂ કરી શકાય.


જુદા-જુદા વિસ્તારોમાં સિંહોના વિભિન્ન જૂથોને તેમના શારીરિક લક્ષણોના આધારે અલગ પાડવામાં આવી રહ્યા છે. તેમના લોહી તેમજ અન્ય જરૂરી સેમ્પલ લેવાની વ્યાપક કવાયત હાથ ધરાઈ છે, જેને તાત્કાલિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, એનિમલ ડોક્ટરોની વિશેષ ટીમો દ્વારા રાત્રિના સમયે પણ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વધુ બીમાર જણાતા સિંહોને રાત્રિ દરમિયાન જ પાંજરે પૂરીને વન વિભાગના હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે ગીરના જંગલો માટે વાયરસ અને રોગચાળાનો સામનો કરવો એ કોઈ નવી વાત નથી. વર્ષ ૨૦૧૮માં પણ ગીરની દલખાણીયા રેન્જમાં આ જ સીડીવી વાયરસ અને બેબીસીયાના બેવડા હુમલાના કારણે ૨૯ જેટલા સાવજોના ટપોટપ મોત થયા હતા. એ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચતા તત્કાલીન વનમંત્રી અને દિલ્હીથી લઈને ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવવી પડી હતી.


તે જ રીતે, ગત વર્ષે પણ સિંહ વસ્તી ગણતરીની આસપાસના ગાળામાં શેત્રુંજી ડિવિઝનના રાજુલા, જાફરાબાદ અને ખાંભા જેવા કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં વિવિધ બીમારીઓના કારણે ૧૫ જેટલા સિંહોના અકાળ મોત નીપજ્યા હતા. ભૂતકાળના આ કડવા અને ગંભીર અનુભવોમાંથી બોધપાઠ લઈને વનવિભાગ આ વખતે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતું નથી અને શરૂઆતથી જ સંપૂર્ણ સતર્કતા સાથે એક્શન મોડમાં કામ કરી રહ્યું છે.


શું છે આ ઘાતક બેબીસિયા અને સીડીવી વાયરસ?

બેબીસિયા એ એક અત્યંત ગંભીર, જટિલ અને જીવલેણ રોગ છે, જે સામાન્ય રીતે જંગલમાં જોવા મળતી ઈતરડીઓ અથવા લોહી ચુસતા જીવડાં કરડવાથી શરીરમાં પ્રવેશે છે. મનુષ્યોમાં થતા મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ સિંહોના શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો પર સીધો હુમલો કરે છે અને તેમનો નાશ કરવાનું શરૂ કરે છે. લાલ રક્તકણો ઝડપથી તૂટવાને કારણે સિંહોના શરીરમાં લોહીની તીવ્ર ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે. જેના કારણે સિંહ અત્યંત નબળો પડી જાય છે, તેના આંતરિક અંગો કામ કરતા બંધ થઈ જાય છે અને આખરે તે તડપી તડપીને મોતને ભેટે છે. બીજી તરફ, સીડીવી એ એક અત્યંત ચેપી અને હવામાં ફેલાતો જીવલેણ વાયરસ છે. સામાન્ય રીતે આ વાયરસ સ્થાનિક રખડતા કૂતરાઓમાં વધુ જોવા મળે છે, પરંતુ કૂતરાઓ દ્વારા જંગલની સરહદે આ વાયરસ સિંહ, વાઘ અને ચિત્તા જેવા વન્યજીવો સુધી પહોંચે ત્યારે તે મહામારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. 


તંત્ર ૨૪ કલાક સતત મોનિટરિંગ કરી રહ્યું છેઃ વન વિભાગ

આ સમગ્ર મામલે ગાંધીનગર વનવિભાગના પીસીસીએફ જયપાલસિંહ રાઠોડે પરિસ્થિતિ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ચોક્કસ ઋતુમાં સામાન્ય રીતે વાતાવરણના બદલાવ અને અન્ય કુદરતી કારણોસર સિંહબાળમાં મૃત્યુનું પ્રમાણ થોડું વધારે જોવા મળતું હોય છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતા સિંહોને બેબેસિયા, સીડીવી અને અન્ય વાયરસજન્ય રોગોથી સુરક્ષિત રાખવા માટે અમારું તંત્ર ૨૪ કલાક સતત મોનિટરિંગ અને ડિજિટલ ટ્રેકિંગ કરી રહ્યું છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને ચિંતા કરવાની જરૂર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News