આજે સવારે રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક પ્રવાસી બસ એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર આઠ લોકોના સળગી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બસમાં અંદાજે 39 યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દ્વારપુરા ગામ નજીક થયો હતો. બસમાં સવાર મોટાભાગના મુસાફરો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ આગમાં ઘણા મુસાફરો બળી ગયા હતા, જ્યારે અન્ય લોકોને સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ બચાવી લીધા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા અને 21 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં છ મૃતદેહોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે બચાવ અને રાહત કામગીરી ચાલુ હતી. ઘટના બાદ પોલીસ, ફાયર અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દૌસાના પોલીસ અધિક્ષક પિયુષ દિક્ષિત બચાવ પ્રયાસોનું નિરીક્ષણ કરવા માટે અકસ્માત સ્થળે હાજર હતા. અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ ઘટના સવારે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. ઋષિકેશથી ઈન્દોર એક સ્લીપર બસ જઈ રહી હતી. જ્યારે ટ્રક મુંબઈ જઈ રહી હતી. કદાચ કોઈએ બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હશે અને બંને વાહનો અથડાયા હશે તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી તરફ એવું અનુમાન છે કે બસ ડ્રાઈવરને ઝોકું આવવાથી આ અકસ્માત થયો હતો. જોકે, પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસની ડેકીમાં સિગારેટના બોક્સ પણ સંગ્રહિત કરેલા હતા, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જોકે, પોલીસે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને આ મુદ્દાની તપાસ કરી રહી છે.
બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ
એવું જાણવા મળ્યું છે કે અકસ્માતગ્રસ્ત બસ હંસ ટ્રાવેલ્સની હતી. અકસ્માત બાદ, બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. પોલીસે કેસ નોંધીને અકસ્માતના કારણની વિગતવાર તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી માટે રસ્તો ખાલી કરાવવા માટે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. વહીવટીતંત્ર મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારોને જાણ કરવા માટે કામ કરી રહ્યું છે.