રાજકોટના રૈયાધાર વિસ્તારમાંથી બપોરે શ્રમિક દંપતીની 8 વર્ષની બાળકીનું ભરત મગન મકવાણા (ઉ.વ.45) અપહરણ કરી ગયાની ગંભીર ઘટના બની હતી. બનાવને યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે સઘન તપાસ હાથ ધરી આરોપી ભરતને કોઠારીયા સોલવન્ટ રસુલપરા પાસેથી ઝડપી લઇ બાળકીને મુકત કરાવી હતી.
નરાધમ શાપર જીઆઇડીસી પાસે અવાવરૂ સ્થળે લઈ ગયો
પોલીસની પુછતાછમાં આરોપી ભરતની પત્ની ઘણાં સમયથી રીસામણે ચાલી ગઇ હોય તે હાલ એકલો રહેતો હોય બાળકીને એકલી જોઇ તેનામાં હવસનો કીડો સળવળ્યો હતો હતો તે બાળકીને નાસ્તાનું પેકેટ આપી લઇ ગયા બાદ શાપર જીઆઇડીસી પાસે અવાવરૂ સ્થળે લઇ તેના પર બદકામ કરવાનું મન બનાવી લીધું જોકે પોલીસે તાકીદે આરોપીને ઝડપી લેતા કમનસીબ ઘટના બનતા અટકી હતી.
નાસ્તાનું પેકેટ આપી લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો
બનવાની જાણવા મળતી વિગતો મુજબ, રવિવારે બપોરના સમયે શહેરના બાપા સીતારામ ગૌશાળાની સામે ચામુંડા ચોકવાળી શેરીમાં રૈયાધાર ખાતે રહેતા આદિવાસી પતિ- પત્ની કડીયાકામ કરતા હતા તે સમયે તેમની આઠ વર્ષની બાળકી અહીં રમતી હતી દરમિયાન કોઇ શખસ નાસ્તાનું પેકેટ આપી તેને લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો હતો જે અંગેની જાણ પોલીસને કરવામાં આવતા યનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.
બાળકીને ઉઠાવી જનારને પોલીસે ઝડપી પાડ્યો
દરમિયાન પીએસઆઇ વી.જી.ડોડીયા,હેડ કોન્સ. ગોપાલસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ, પ્રવિણભાઇ, દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે બાળકીને ઉઠાવી જનાર શખસને ગોંડલ રોડ પર રસુલપરા જવાના રસ્તે હાઇવે રોડ પરથી ઝડપી લઇ બાળકીને મુકત કરાવી હતી. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ ભરત મગનભાઇ મકવાણા(ઉ.વ. ૪૩ રહે. પચ્ચીસ વારીયા મફતીયાપરા નાગેશ્વર પાછળ જામનગર રોડ,રાજકોટ) હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે બાળકીના વાલીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
દીકરી મકાનની અંદર રમતી હતી
બનાવ અંગે એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત તરફનું દંપતી છેલ્લા ઘણાં સમયથી રાજકોટમાં રહી મજુરી કામ કરે છે જેને સંતાનમાં બે દીકરી છે. જેમાંથી 8 વર્ષની નાની દીકરીને લઈ ગઈકાલે સવારે કડિયા કામની મજુરી માટે રૈયાધાર પરની સાઈટે પહોંચ્યા હતા. બપોરે દીકરી સાથે જમ્યા હતા ત્યારબાદ કામે વળગી ગયા હતા. તેમની દીકરી મકાનની અંદર રમતી હતી દરમિયાન આરોપી ભરત ત્યાં આવ્યો હતો જેના કારણે ત્યાં કડીયા કામ કરનારે તેને જતા રહેવાનું કહ્યું હતું જેથી ભરત ત્યાંથી બાળકીને ઉપાડી બહાર પહોંચ્યો હતો. બહારથી એક રિક્ષામાં બાળકીને લઈ રવાના થઈ ગયો હતો.
બાળકીને મુક્ત કરાવી પરિવારને સોંપી
થોડીવાર પછી માતા-પિતાએ પુત્રીને ગાયબ જોઈ હતી તે વખતે સાઈટ પરના અમુક લોકો પાસેથી ભરત તેમની દીકરીને લઈ ગયાની માહિતી મળતા પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી ભરતનો મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે તાત્કાલિક પોલીસે તેને કોઠારીયા સોલવન્ટ પાસેના રસુલપરા વિસ્તાર પાસેથી ઝડપી પાડયો હતો અને બાળકીને મુક્ત કરાવી પરિવારને સોંપી હતી.
ભરતની પત્ની બે દીકરીઓ સાથે ઘણાં સમયથી રિસામણે
પોલીસે આરોપીની પુછતાછ કરતા એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે આરોપી ભરતની પત્ની બે દીકરીઓ સાથે ઘણાં સમયથી રિસામણે છે જેના કારણે તે એકલો રહેતો હતો. બાળકીએ એકલી જોઇ તેનામાં વાસનાનો કીડો સળવળ્યો હતો. તે બાળકીને બદકામ કરવા ઈરાદે જ ઉઠાવી ગયો હતો. બાળકીને શાપર જીઆઇડીસી પાસે અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેની સાથે બદકામ કરાવાનો આરોપીનો ઇરાદો હતો. જો કે તે પુર્વે જ પોલીસે તેને ઝડપી લેતા એક ગંભીર ઘટના બનતા અટકી હતી.