રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા મહાપાલિકાના નિવૃત ઈજનેર અને તેમની પત્નીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. આપઘાત પૂર્વે એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી જે પોલીસને મળી આવી હતી તેમાં લખ્યું હતું કે, અમે પતિ-પત્નીએ જીવનના બધા જ સુખોનો અનુભવ કર્યો છે. સંતાનોએ પણ અમારી ખૂબ સારી સેવા કરી છે અને અમારા પર કોઈ દેવું પણ નથી. હવે લાંબી બીમારીથી કંટાળી સ્વૈચ્છાએ આ પગલું ભરી રહ્યા છીએ પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
સજોડે ઝેરી દવા પી લીધી
પ્રાપ્ત વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરિયા ((ઉ.વ.૭૦) અને તેમના પત્ની પન્નાબેન (ઉ.વ.૭૦) એ શનિવારે રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે રૂમમાં હતા ત્યારે સજોડે ઝેરી દવા પી લીધી હતી. દવા પી લીધા બાદ રાજેન્દ્રભાઈએ સાથે જ રહેતી પુત્રીને જાણ કરતા પુત્રી હતપ્રભ બની ગઈ હતી અને તાકીદે પરિવારજનોને ફોન કરી ને જાણ કરતા બધા આવી ગયા હતા અને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન બે કલાકના અંતરે દંપતીએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ દ્વારા યુનિવર્સીટી પોલીસને કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
સંતાનોએ પણ અમારી સારી સેવા કરી
પોલીસને તપાસ દરમિયાન મૃતક વૃદ્ધ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, અમે પતિ-પત્નીએ જીવનના બધા જ સુખોનો અનુભવ કર્યો છે. સંતાનોએ પણ અમારી સારી સેવા કરી છે અને અમારા પર કોઈ દેવું પણ નથી. પરંતુ અમે હવે લાંબી બીમારીથી કંટાળી ગયા છીએ, એટલે સ્વૈચ્છાએ આ પગલું ભરી રહ્યા છીએ
નિવૃત્તિના મહિનાઓ પૂર્વે જ સ્વૈચ્છીક રાજીનામું
મૃતક રાજેન્દ્રભાઈ રાજકોટ મહાપાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર હતા અને નિવૃત્તિના મહિનાઓ પૂર્વે જ સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હતું. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રીના ડિવોર્સ થઇ જતા માતા-પિતા સાથે જ રહેતી હતી. રાજેન્દ્રભાઈ કોરાના સમયથી બીમાર રહેતા હતા અને ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. તેમજ પત્નીને પણ ડાયાબિટીસની બીમારી હતી. બંનેને માંદગીના કારણે અવાર નવાર હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય અને આ બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું છે.