જોડીયાના કુન્નડ ગામના પુલથી રોડ પર આશરે એક મહીના પુર્વે બાઇક લઇને જઇ રહેલા પટેલ વૃઘ્ધની આડે કુતરૂ ઉતરતા બાઇક સ્લીપ થયુ હતું, જેમાં ગંભીર ઇજા પામેલા વૃઘ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયાનું ગઇકાલે જોડીયા પોલીસમાં જાહેર કરાયું છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર રખડતા પશુઓ અને રઝડતા કુતરાઓના કારણે વાહન અકસ્માતના નાના મોટા બનાવો બને છે વધુ એક માનવ જીંદગીનો ભોગ લેવાતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જોડીયા તાલુકાના કુન્નડ ગામમાં રહેતા દયાળજીભાઇ રણછોડભાઇ નંદાસણા (ઉ.વ.૫૬) નામના વૃઘ્ધ તેમનું મોટરસાયકલ નં. જીજે૧૦ડીડી-૫૫૧૦ લઇને કામ સબબ ગત તા. ૨૦-૧૦ના રોજ કુન્નડથી જોડીયા જતા અને પુલથી જતા રોડ પર પહોચતા મોટરસાયકલની આડે કુતરૂ ઉતરતા બાઇક સ્લીપ થયુ હતું.
આ અકસ્માતમાં દયાળજીભાઇને માથા, આંખના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજતા આ બના અંગે કુન્નડ ગામમાં રહેતા ખેતીકામ કરતા આશિષ દયાળજીભાઇ નંદાસણાએ ગઇકાલે જોડીયા પોલીસમાં જાણ કરતા તપાસ આગળ વધારવામાં આવી છે.
રોડ પર શ્ર્વાન કે ઢોર આડા આવવાના કારણે વાહન અકસ્માતના બનાવો વધી રહયા છે, નાના મોટા અકસ્માતોમાં લોકો ઘવાય છે, અને અમુક અકસ્માતોમાં માનવ જીંદગીનો ભોગ લેવાય છે, ઉપરોકત બનાવમાં કુતરુ આડે ઉતરતા વૃઘ્ધનું ગંભીર ઇજા સબબ સારવારમાં મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.