રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. એસટી બસની બ્રેક ફેલ થતા 65 વર્ષના વૃદ્ધને ટક્કર મારતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-બરવાળા-રાજકોટ રૂટની એસટી બસ બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવર દ્વારા બસ પરથી નિયંત્રણ ગુમાવતા બસ સીધી માર્ગ પરથી પસાર થતા એક વૃદ્ધ મુસાફરને ટક્કર મારી હતી.
મૃતકના માથામાંથી લોહીના ફૂવારા છૂટ્યા
ટક્કર એટલી જોરદાર હતી કે મૃતક દિનેશભાઈ મારવાણિયાના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના માથામાંથી લોહીના ફૂવારા છૂટ્યા હતા. બાદમાં વૃદ્ધ જ્યાં ઢળી પડ્યા હતા ત્યાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
108 પહોંચે એ પહેલા વૃદ્ધે દમ તોડી દીધો
એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી. પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ દિનેશભાઈએ દમ તોડ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા
દુર્ઘટનાનું મુખ્ય કારણ એસટી બસની બ્રેક ફેલ થવું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ દુર્ઘટનાથી સ્થળ પર ઉભેલા મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. એસટી વિભાગ દ્વારા ઘટના અંગે સત્તાવાર રીતે પ્રાથમિક નિવેદન આપવામાં આવ્યું નથી. આ દુર્ઘટનાએ ફરીથી જાહેર પરિવહનના વાહનોની જાળવણી અને મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.