BREAKING NEWS

જામનગર  : જામ્યુકોના બજેટમાં દેખાશે ચૂંટણી ઇફેકટ: કર દરમાં કદાચ કોઇ વધારો નહી થાય

  • January 08, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
જામનગર મહાનગરપાલીકાનું ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષનું અંદાજપત્ર આગામી મહીનાના એન્ડમાં રજૂ થાય તેવી શકયતા છે, ગયા વખતે રૂ.૧૫૬૮ કરોડનું બજેટ હતું, તેમાં થોડો વધારો થશે અને રૂ.૧૬૦૦ કરોડથી વધુ રકમનું બજેટ રજૂ કરાય તેવી શકયતા છે. ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ.૪.૨૫ કરોડના કરવેરા મંજુર કરાયા હતાં, જો કે મ્યુ.કમિશ્નરે રૂ.૧૧.૮૪ કરોડના કરાવેરા સુચવ્યા હતાં, તેમાં સ્ટે.કમીટીએ ઘટાડો કર્યો હતો. આ વખતે પણ વેરા વધારવાના નાટક થશે પરંતુ એવા કોઇ ખાસ વેરા નહીં નાખવામાં આવે અને અંદાજપત્રમાં લોકોને સાનુકુળ પડે તેવું બજેટ રજૂ કરવામાં આવે તેવી પણ શકયતા છે. 


આ બજેટમાં ચૂંટણીની ઇફેકટ કામ કરશે, ગયા વખતે પણ કરવેરા સુચવાયા હતાં તેમાં ૬૦ થી ૬૫ ટકા કરાવેરા કાઢી નાખવામાં આવ્યા હતાં, પીવાના પાણીમાં ઘર વપરાશમાં રૂ.૫૦ અને કોમર્શીયલમાં રૂ.૧૦૦નો સામાન્ય વધારો કરાયો હતો, આ વખતે પણ કમિશ્નરની દરખાસ્તમાં કચરા કલેકશનમાં કદાચ સામાન્ય વધારો થાય અને ત્યારબાદ આ વધારો રદ કરી દેવામાં આવે, મિલ્કત વેરા કે પાણી વેરામાં કોઇ વધારો નાખવાનું જોખમ આ વખતે નહીં થાય, ગયા વર્ષે વોટર વર્કસમાં કુલ રૂ.૧.૨૫ કરોડ, સોલીડ વેસ્ટમાં ૨.૫૦ કરોડ, ફાયર બ્રિગેડમાં રૂ.૦.૨૫ કરોડ અને એન્વાયરમેન્ટમાં ૦.૨૫ કરોડનો વધારો સુચવવામાં આવ્યો હતો. 


આ બજેટમાં પણ ૨૦૨૬-૨૭માં સામાન્ય કરદાતાઓ, સિનીયર સીટીઝન, બીપીએલ કાર્ડ ધારક, વિકલાંગ લોકો માટે એડવાન્સ ટેકસ ભરનારાઓને ‚ા.૧૦ થી ૨૫ ટકા વેરામાં રાહત અપાય તેવી પણ શકયતા છે. ઉપરાંત સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરવામાં તેને પણ ૨ ટકા વળતર આપવાની યોજના પણ અમલમાં આવે તેવી શકયતા છે. એવી જ રીતે સોલીડ વેસ્ટ શાખાના ઢોર ડબ્બા ચાર્જ દંડમાં પણ કદાચ મામુલી વધારો થાય તેવી શકયતા છે, પરંતુ બે-ત્રણ મહીના બાદ આવનારી મહાપાલીકાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને એવો કોઇ ખાસ વધારો કરવામાં નહીં આવે તેમ ચોકકસપણે લાગે છે. 


દર વર્ષે વિકાસના કામોમાં કેટલાક કામો અગાઉ મંજુર થયેલા હોય તે દર્શાવી દેવામાં આવે છે, દા.ત. હાલમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજનું કામ ચાલે છે, ઉપરાંત સમર્પણ સર્કલ પાસે બ્રિજ, ઠેબા ચોકડી પાસે ઓવરબ્રિજ, હોટલ વિશાલ પાસે નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ આ બધુ બે-ત્રણ બજેટથી ચાલતું આવે છે, આ વખતે પણ અમો વિકાસના કામો કરવાના છીએ તેવું દર્શાવવામાં આવશે, ઉપરાંત જામનગર શહેરને નવી ૫૦ ઇલેકટ્રીક સીટી બસ મળશે તે પણ દર્શાવાશે. 


ઉપરાંત ગયા વર્ષના બજેટમાં પણ ત્રીજુ સ્મશાન બનાવવા માટે લાલપુર રોડ ઉપરની જગ્યામાં કામગીરી હાથ ધરાશે તેવું મોટા ઉપાડે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ અંગે કોઇ કાર્યવાહી થઇ નથી અને ગયા વખત જેવી જ સ્થિતિ આ વખતે છે. ઉપરાંત ૫૭થી વધુ નંદઘરો બનાવવાનું ગયા બજેટમાં સુચવાયું હતું તેમાં ૩૦ ટકા કામ થયું છે, સીનીયર સિટીઝન માટે નવા ૩ દાદા-દાદી ગાર્ડન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી તેમાં પણ કોઇ પ્રગતિ થઇ નથી. ખાસ કરીને વિકાસના કામમાં આ વર્ષે રમતગમતના હેતુ માટેના એક-બે મેદાન વ્યવસ્થિત કરીને યુવાનો ક્રિકેટ સહિતની અન્ય રમતો રમી શકે તે માટે મેદાન બનાવવા જોઇએ, પરંતુ આ કાર્યવાહી થઇ નથી. 


આગામી દિવસોમાં શહેરમાં રૂ.૬૦૦ કરોડના ખર્ચે બનનારા રિવરફ્રન્ટ પ્રોજેકટમાં પણ હવે ગતિ લાવવાની રહેશે, ઝડપથી કામ થશે તો સરકાર દ્વારા અનુદાન આપવામાં આવશે, ઉપરાંત નલ સે જલ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં ભળેલા નવી શેરી-ગલીમાં રસ્તા, પાણી, વિજળી સહિતની આનુસાંગીક સેવાઓ, સાયન્સ નોલેજ પાર્ક ઝડપી બનાવવો, નવા આવાસ બનાવવા અને ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોમાં ઝડપ લાવવાની પણ જરૂર છે, જો કે આ બધુ બજેટમાં દર્શાવવામાં આવશે. 

નવા-નવા પ્રોેજેકટને ગતિમાં લાવવા પ્રયાસ કરવો જોઇએ

મહાપાલીકાના બજેટમાં અગાઉ પણ રૂ.૧.૮૦ કરોડના ખર્ચે અદ્યતન ફુડ ટેસ્ટીંગ લેબોરેટરી બનાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી, હોટલ વિશાલ પાસે ૨૨૧૯૧ ચો.મી. જમીનમાં રૂ.૪૦ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાની વાત થઇ હતી, પરંતુ કામ થયું નથી, પીએમઇ બસ સેવા યોજના અંતર્ગત ૫૦ ઇલેકટ્રીક બસ દોડાવાની વાત પણ ગયા બજેટમાં કરવામાં આવી હતી, રૂ.૫ કરોડના ખર્ચે ત્રીજુ સ્મશાન, ૩ નવી ટીપી સ્કીમ, રિવરફ્રન્ટ પ્રોજેકટ, ઠેબા બાયપાસ પાસે બ્રિજ, સમર્પણ હોસ્પિટલ પાસે બ્રિજની વાત કરવામાં આવી હતી, તળાવ બ્યુટીફીકેશનનું કામ પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે, એવી જ સાયન્સ ભવનનું કામ પણ ધીમી ગતિએ ચાલે છે ત્યારે અવનવા પ્રોજેકટો તાત્કાલીક શરૂ કરવા જોઇએ તેવી માંગણી લોકો કરી રહ્યા છે. ​​​​​​​


ગયા બજેટમાં શહેરમાં નવા સ્મશાન અંગેની વાત ભુલાઇ ગઇ


જામનગર શહેરની વસ્તીને ઘ્યાનમાં લઇને ગયા વર્ષે મહાપાલીકાના બજેટમાં નવા સ્મશાન બનાવવાની કામગીરી અંગે વાત કહેવામાં આવી હતી, પરંતુ આખું વર્ષ પુરૂ થઇ ગયું અને આ નવું સ્મશાન બન્યું નથી તે પણ હકીકત છે, હાલમાં લોકોને ભારે મુશ્કેલી પડે છે. ગઇકાલે સ્મશાનમાં ૧૫થી વધુ ડેડબોડી આવી હતી ત્યારે ખુબ જ મુશ્કેલી પડી હતી, આ વર્ષના બજેટમાં પણ નવા સ્મશાન અંગેની વાત કરવામાં આવશે, પરંતુ પ્રોજેકટ શા માટે હાથમાં લેવામાં આવતો નથી ? તે અંગે અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application