BREAKING NEWS

ખંભાળીયાના બાર એસો.માં સાત વર્ષ બાદ આજે થઇ ચૂંટણી

  • December 19, 2025 06:33 PM 



રાજયભરના પગલે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા અને દ્વારકામાં પણ આજે બાર એસોસીએશનની ચુંટણી યોજાઇ રહી છે, ખંભાળીયા અને દ્વારકા બંનેમાં ત્રણ-ત્રણ પ્રમુખ પદના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. 


જામખંભાળીયા બાર એસો.ની ચૂંટણીમાં આજે સવારથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયો હતો, આ બાર એસો.ની ચૂંટણીમાં કુલ ૧૯૧ સભ્યો છે, ત્રણ મુખ્ય દાવેદારો વચ્ચે પ્રમુખ પદની ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં સંજય જોશી, સંગીતાબેન મોદી અને એક અન્ય ઉમેદવાર મેદાનમાં છે. જામખંભાળીયાના પ્રમુખ પદના ત્રણેય ઉમેદવારો કુંભ રાશીના છે, જોઇએ પ્રમુખ પદનો તાજ કોના શીરે આવશે. 



અત્રે નોંધનીય છે કે, જામખંભાળીયામાં છેલ્લા ૭ વર્ષથી વકીલ મંડળ બિનહરીફ રહ્યું છે, પરંતુ આ વખતે ચૂંટણી યોજાઇ રહી છે, ખંભાળીયા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ સંજય જોશી છેલ્લા ઘણા સમયથી બિનહરીફ કાર્યરત છે. જયારે મહીલા ઉમેદવાર સંગીતાબેન મોદી મંડળની પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. 


ઉપપ્રમુખ પદ માટેની વાત કરીએ તો આર.એમ.જામ, ટી.જે.વિઠલાણી અને દવુભાઇ ચાવડા મેદાનમાં છે જયારે સેક્રેટરી પદ માટે એસ.એલ.માતંગ અને અમીબેન ધ્રુવ ઉમેદવાર છે, જયારે જોઇન્ટ સેક્રેટરી તરીકે ડી.ડી.લુણા અને ટ્રેઝરરમાં મહીલા અનામતમાં ધારાબેન કાનાણી તેમજ સહખજાનચી જયકુમાર કુવા અને લાયબ્રેરીયન રવિરાજસિંહ જાડેજા બિનહરીફ જાહેર થયા છે. 


દ્વારકા બાર એસો.ની ચૂંટણીની વાત કરીએ તો લોહાણા જ્ઞાતિના ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં સંજયભાઇ રાયઠઠ્ઠા, અશ્ર્વિનભાઇ પાબારી અને નિરવભાઇ સામાણીનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, સંજયભાઇ રાયઠ્ઠા અગાઉ છ વર્ષ પ્રમુખ પદે રહી ચૂકયા છે.


દ્વારકા બાર એસો.માં કુલ ૧૧૭ સભ્યો નોંધાયેલા છે, જેમાં ૨૮થી વધુ મહીલા સભ્યોનો પણ સમાવેશ થાય છે, આ ચૂંટણીની મતદાર યાદી ગત ડીસેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી, તે દિવસે કોઇ સભ્યોને વાંધો તકરાર હોય તો ચૂંટણી કમિશ્નર સમક્ષ રજૂઆત કરવાની હતી અને ત્યારબાદ ૫ ડીસેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિઘ્ધ કરવામાં આવી હતી. 

​​​​​​​


દ્વારકા બાર એસો.માં ઉમેદવારી પત્રક ભરવાની તા.૫ થી ૮ ડિસેમ્બર મુકરર કરવામાં આવી હતી, ૯ ડીસેમ્બરે ઉમેદવારીના ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા હતાં અને ૧૦ ડીસેમ્બરે ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાના હતાં, ત્યારબાદ ૧૧ ડીસેમ્બરે ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આી હતી, જેમાં ૩ ઉમેદવારો પ્રમુખ પદ માટે ફાઇનલ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં સંજયભાઇ રાયઠઠ્ઠા, અશ્ર્વિનભાઇ પાબારી અને નિરવભાઇ સામાણીનો સમાવેશ થાય છે.


આજે જામખંભાળીયા અને દ્વારકામાં યોજાઇ રહેલ બાર એસોસીએશનની ચૂંટણીમાં ખંભાળીયાના સભ્યો અને દ્વારકાના સભ્યો પ્રમુખ પદ માટે કોને ચુંટે છે તે સાંજ સુધીમાં પરીણામ આવી જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application