વીજચોરીનું દૂષણ વ્યાપક બનતા પીજીવીસીએલને વર્ષે કરોડોનું નુકસાન થાય છે અને નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠામાં અંતરાય ઉભો થાય છે. આ દૂષણ ડામવા તંત્રએ લાલ આંખ કરી છે.
રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ ઓક્ટોબર મહિનામાં તા.19- 10- 2026થી 23- 10- 2026 દરમિયાન ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેર-1, 2 અને 3 વિભાગીય કચેરી હેઠળની આજી-1, આજી-2, પ્રહલાદ પ્લોટ, મોરબી રોડ, કોઠારીયા રોડ, માધાપર, બેડીનાકા, રૈયા રોડ, પ્રદ્યુમન નગર, વાવડી, ખોખડદળ, મવડી રોડ, નાનામવા રોડ વગેરે પેટા વિભાગોમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરાઈ હતી.
કોર્પોરેટની રોજ 35થી 114 જેટલી વીજચેકિંગ ટીમોએ પોલીસ, એક્સ મિલિટરી મેન અને વીડિયોગ્રાફરના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુદા જુદા દિવસોએ ત્રાટકી હતી. જેમાં પ્રણામી પાર્ક, પ્રિયદર્શન, મારુતિપાર્ક, રાજદીપ, પ્રજાપતિ, ગીરનાર, ખોડલધામ, શીતલધાર, ભીલેશ્વર પાર્ક, મારુતિ રેસીડેન્સી, ઉમિયા ચોક, આંબેડકર ચોક, ગોકુલનગર, તિરુપતિ, સીતારામ, શિવનગર, મચ્છુનગર, શુભમ, હુસેની ચોક, સોલવંટ ફાટક, ભગવતીપરા, જયપ્રકાશનગર, યદુનંદન, ધરમનગર, વંદેમાતરમ, રાજનગર, ગણેશનગર, ખોડીયારપરા, જૂનો મોરબી રોડ, સાગર, રાધાકૃષ્ણ, ગંજીવાડ શેરી નં.41થી 80, ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, રૈયા ગામ, ગાયકવાડી, જંકશન પ્લોટ, પોપટપરા, સેન્ટ્રલ જેલ આસપાસ, ભારતીનગર, મોચીનગર, જંગલેશ્વર શેરી નં.20થી 32, આરએમસી આવાસ, નવાગામ, બંગડી બજાર, દિવાનપરા, ઘી કાંટા, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું.
આ દરમિયાન ચેકિંગ ટુકડીઓ દ્વારા રહેણાંક, વાણિજ્ય સહિત કુલ 2356 વીજજોડાણો ચકાસાયા હતા, જેમાંથી 200 જોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ મળતા કુલ રૂ.152.72 લાખના દંડનીય બિલ ફટકારાયા છે. વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું કે આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વ્યાપક બનાવાશે. પીજીવીસીએલની કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.