BREAKING NEWS

હૂથી હુમલા વચ્ચે મક્કામાં કટોકટીની ચેતવણી: સાઉદી અરેબિયાએ દાગેલી 6 મિસાઇલો હવામાં જ નષ્ટ કરી

  • September 24, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓમાં અચાનક થયેલા વધારાને પગલે સાઉદી અરેબિયાએ ગુરુવારે પવિત્ર શહેર મક્કા માટે ઇમરજન્સી એલર્ટ (કટોકટીની ચેતવણી) જારી કરી હતી. તાજેતરમાં વધેલા લશ્કરી તણાવ દરમિયાન મક્કામાં સંભવિત ખતરાને લઈને પ્રથમ વખત આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હતી, જેને પાછળથી ખતરો ટળી જતાં પાછી ખેંચી લેવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં લશ્કરી સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે.

આ દરમિયાન, સાઉદી નેતૃત્વ હેઠળના લશ્કરી ગઠબંધને તાઇફ અને યાનબુ સહિતના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોને નિશાન બનાવીને છોડવામાં આવેલી 6 હૂથી મિસાઇલોને હવામાં જ સફળતાપૂર્વક તોડી પાડી હતી. સાઉદી એર ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ મિસાઇલોને લક્ષ્ય પર પહોંચે તે પહેલાં જ નષ્ટ કરી દીધી હતી. જોકે, આ મિસાઇલ હુમલાઓ અને તેના કાટમાળના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કોઈ મોટું આર્થિક નુકસાન થયું છે કે નહીં તે અંગે ત્વરિત કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.


સાઉદી સિવિલ ડિફેન્સ વિભાગે બાદમાં જાહેરાત કરી હતી કે સંભવિત ખતરો હવે સંપૂર્ણપણે ટળી ગયો છે. પ્રશાસને સ્થાનિક રહીશો અને યાત્રાળુઓને સુરક્ષા નિર્દેશોનું સખતપણે પાલન કરવા અને કોઈપણ પ્રકારની ભીડ ભેગી કરવા અથવા ઘટનાના વીડિયો બનાવવાથી બચવા માટે ખાસ આગ્રહ કર્યો હતો.


​​​​​​​નોંધનીય છે કે, સાઉદી સત્તાવાળાઓએ સૌથી પહેલા 15 સપ્ટેમ્બરના રોજ મક્કા, જેદ્દાહ અને તાઇફ માટે એક ટૂંકી સુરક્ષા ચેતવણી જારી કરી હતી. પ્રદેશમાં ચાલતા તાજેતરમાં લશ્કરી સંઘર્ષો અને તણાવ વચ્ચે પવિત્ર શહેર મક્કા માટે જારી કરવામાં આવેલી આ પ્રથમ આ પ્રકારની સુરક્ષા ચેતવણી હતી. હાલમાં સાઉદી સુરક્ષા દળો અને આંતરરાષ્ટ્રીય ગઠબંધન દ્વારા સરહદી વિસ્તારો તેમજ આકાશમાં કડક ચોકીયાત કરવામાં આવી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application