BREAKING NEWS

સુરતમાં સ્ટીલની કંપનીમાં કર્મચારીઓ વિફર્યા, કારોમાં તોડફોડ કરી આગ ચાપી: પોલીસે 40 ટિયરગેસના શેલ છોડ્યા, જાણો ઘટના પાછળનું કારણ

  • February 26, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં આજે વહેલી સવારથી જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હરિયાણાના પાણીપતમાં એક શ્રમિકના મોતના વાયરલ વીડિયોની અસર છેક સુરત સુધી પહોંચી છે. એસએમપી-3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઈટ પર કામ કરતા હજારો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ કામકાજ ઠપ્પ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેણે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


ઘટનાનું મુખ્ય કારણ અને આક્રોશ

સોશિયલ મીડિયા પર પાણીપતની એક ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ હજીરાના શ્રમિકોમાં રોષ વ્યાપ્યો હતો. આ આક્રોશમાં વર્ષોથી પડતર પડેલા પ્રશ્નો અને પગાર વધારાની માંગણીઓ ભળતા સ્થિતિ વધુ વણસી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોએ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી કામ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


હિંસક વળાંક: તોડફોડ અને આગજની

વિરોધ પ્રદર્શન દરમિયાન મામલો ગરમાયો હતો અને ઉશ્કેરાયેલા શ્રમિકોએ કંપનીના પરિસરમાં રહેલી ખાનગી કારોમાં તોડફોડ શરૂ કરી હતી. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે પ્રદર્શનકારીઓએ ફાયર ફાઈટરની ગાડીને નિશાન બનાવી તેમાં આગ ચાંપી દીધી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે શ્રમિકોના ટોળાએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. પ્લાન્ટમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


પોલીસ કાર્યવાહી: 40 ટીયરગેસના શેલ છોડાયા

ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થિતિ બેકાબૂ બનતા ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમોને પણ તૈનાત કરવામાં આવી હતી. ડીસીપી શેફાલી બરવાલે જણાવ્યું હતું કે, ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે 40 જેટલા ટીયરગેસના શેલ છોડ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


કંપની અને L&Tનું નિવેદન

શ્રમિકોના આકસ્મિક આક્રોશને શાંત પાડવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) કંપનીએ સત્તાવાર નિવેદન જારી કરતા જણાવ્યું છે કે, અમે શ્રમિકોના હિત માટે કટિબદ્ધ છીએ. જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા નવા 'લેબર કોડ'નું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, ત્યારે તેના તમામ નિયમો અને જોગવાઈઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.

હાલમાં હજીરા પ્લાન્ટમાં તણાવપૂર્ણ શાંતિ છે. શ્રમિકો હજુ પણ પોતાની માંગણીઓ પર અડગ છે, જ્યારે પોલીસ હિંસા કરનારા તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application