જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડી વધતાં જ તાવ, શરદી, ઉધરસ અને હવે કમળાના દર્દીઓ વધવા લાગ્યા છે, હજુ થોડા દિવસ પહેલા જ દિ.પ્લોટ-૫૮માં રહેતા એક ૩૪ વર્ષના યુવાનનું કમળાથી મૃત્યુ થયા બાદ જી.જી.હોસ્પિટલમાં બે, ખાનગી હોસ્પિટલમાં ત્રણ અને આમરા ગામમાં કમળાનો એક કેસ નોંધાયો હોવાની વિગતો બહાર આવી રહી છે. તાવ, શરદી, ઉધરસના કેસો જમ્બો જેટની જેમ વધી ગયા છે, જી.જી.માં ૧૨૦, ખાનગીમાં ૧૦૦ અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૩૦થી વધુ કેસ નોંધાયા છે, કમળો વધી રહ્યો છે તે ચિંતાજનક છે, ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં પણ તાવના કેસો વધતા રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ શનિવારે કોર્પોરેશનના ૧૨ આરોગ્ય કેન્દ્રમાં પણ તાવ, શરદીના કેસો વધી રહ્યા છે તે આઘાતજનક કહી શકાય.
જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં આજે તાવ, શરદી, ઉધરસના દર્દીઓ દવા લેવા આવ્યા હતાં જેમાં ૧૨૦થી વધુ દર્દીઓને તાવ હોવાનું ખુલ્યું હતું, ઉપરાંત ૧૨ દર્દીઓના ગઇકાલે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ખાનગી હોસ્પિટલમાં પણ જામનગર શહેર અને ગામડામાંથી દર્દીઓ દાખલ થઇ રહ્યા છે, બપોરના ૧૧ થી ૫ ગરમી તેમજ સવાર-સાંજ ઠંડીનો માહોલ જોવા મળે છે, તેના કારણે કફ, પીત અને શરદીના દર્દીઓ વધી ગયા છે.
ડોકટરોના જણાવ્યા મુજબ ગરમ પાણી, હળદર, આદ, મધ લેવાથી શરદી, ઉધરસમાં સારી એવી રાહત થાય છે, એક તરફ જામનગર શહેરમાં કમળાથી મોત થઇ ચૂકયું છે જયારે બીજી તરફ કમળાના ૩ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે, જયારે ગામડાઓમાં પણ તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન હસ્તકના ૧૨ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પણ સામાન્ય કરતા ૨૫ ટકા જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસના જોવા મળ્યા છે. આ તમામને શીરપ અને શરદીની દવાઓ આપવામાં આવે છે.
આગામી દિવસોમાં પણ ઠંડી વધુ પડવાની પણ શકયતા છે ત્યારે તાવ, શરદી, ઉધરસના કેસો વધશે તેમ મનાય છે અને ડોકટરોના કહેવા મુજબ સવાર અને સાંજ હુંફાળુ ગરમ પાણી પીતા રહેવું જોઇએ જેના કારણે આ પ્રકારના કેસોમાં થોડો ઘણો ઘટાડો થાય. આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ ફરીથી માથુ ઉંચકયું છે.
ગ્રામ્ય વિસ્તારની વાત લઇએ તો આમરા વિસ્તારમાં કમળાનો એક કેસ નોંધાયો છે અને તે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે, લાખાબાવળ, અલીયાબાડા, નવા નાગના, વિજરખી, થાવરીયા, સિકકા સહિતના ગામોમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધતા રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે. આમ રોગચાળો વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ રોગચાળો નાથવા માટે કોઇ ઠોસ કદમ લેવાય તે જરૂરી છે.