BREAKING NEWS

જામનગરમાં રોગચાળો વઘ્યો: તાવના ૧૮૦, ટાઇફોઇડનો ૧ કેસ નોંધાયો

  • January 05, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેર-જિલ્લામાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુને કારણે રોગચાળાએ ગતિ પકડી છે, ત્યારે જામનગરમાં ટાઇફોઇડનું આગમન થયું છે, ખાનગી દવાખાનામાં એક કેસ નોંધાયો છે જયારે જી.જી.હોસ્૫િટલ અને ખાનગી હોસ્પિટલમાં થઇને તાવ, શરદી, ઉધરસના ૧૮૦ જેટલા કેસ નોંધાયા છે, ૩ દિવસથી ઠંડી જોરદાર શરૂ થઇ છે અને ડોકટરોના કહેવા મુજબ હવે તાવ, શરદીના કેસો વધશે. 


જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં આજે તાવ, શરદી, ઉધરસના દર્દીઓ દવા લેવા આવ્યા હતાં જેમાં ૮૦થી વધુ દર્દીઓને તાવ હોવાનું ખુલ્યું હતું, ઉપરાંત ૩ દર્દીઓને ગઇકાલે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એસ.ટી. પર એક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક ગામડાના દર્દીને ટાઇફોઇડ થયો હોવાનું બહાર આવ્યું છે, જો કે તેને રાજકોટ લઇ જવામાં આવશે તેવું જાણવા મળ્યું છે, બપોરના ૧૧ થી ૫ ગરમી તેમજ સવાર-સાંજ ઠંડીનો માહોલ જોવા મળે છે, તેના કારણે કફ, પીત અને શરદીના દર્દીઓ વધી ગયા છે. જી.જી.હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના ૧૦૦ જેટલા કેસ નોંધાયા હતાં, શનિ-રવિમાં રજા બાદ આજે સોમવારે ઓપીડીમાં કેસ વઘ્યા છે, જો કે હજુ ટાઇફોઇડનો કેસ નોંધાયો નથી તેમ ડોકટરોએ જણાવ્યું છે.


ડોકટરોના જણાવ્યા મુજબ ગરમ પાણી, હળદર, આદ, મધ લેવાથી શરદી, ઉધરસમાં સારી એવી રાહત થાય છે, એક તરફ જામનગર શહેરમાં કમળાથી મોત થઇ ચૂકયું છે જયારે બીજી તરફ કમળાના ૩ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે, જયારે ગામડાઓમાં પણ તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન હસ્તકના ૧૨ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પણ સામાન્ય કરતા ૩૫ ટકા જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસના જોવા મળ્યા છે. આ તમામને શીરપ અને શરદીની દવાઓ આપવામાં આવે છે. 


આગામી દિવસોમાં પણ ઠંડી વધુ પડવાની પણ શકયતા છે ત્યારે તાવ, શરદી, ઉધરસના કેસો વધશે તેમ મનાય છે અને ડોકટરોના કહેવા મુજબ સવાર અને સાંજ હુંફાળુ ગરમ પાણી પીતા રહેવું જોઇએ જેના કારણે આ પ્રકારના કેસોમાં થોડો ઘણો ઘટાડો થાય. આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ ફરીથી માથુ ઉંચકયું છે. લાખાબાવળ, અલીયાબાડા, નવા નાગના, વિજરખી, થાવરીયા, સિકકા સહિતના ગામોમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધતા રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે. આમ રોગચાળો વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ રોગચાળો નાથવા માટે કોઇ ઠોસ કદમ લેવાય તે જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application