રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૮ ફેબ્રુઆરીને બુધવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને બજેટ બોર્ડ મળશે અને સંભવત:આ બોર્ડ મિટિંગ ચાલુ ટર્મ ૨૦૨૧-૨૦૨૬ની ટર્મની અંતિમ બોર્ડ મિટિંગ બની રહેશે.અલબત્ત બજેટ બોર્ડમાં ફક્ત બજેટ ઉપર જ ચર્ચા થતી હોય પ્રશ્નકાળ હોતો નથી તેથી કોર્પોરેટરો પ્રશ્નો ઇનવર્ડ કરાવી શકતા નથી. બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ મંજૂર કરેલા બજેટમાં મ્યુનિ. કમિશનરે સૂચવેલો વેરા વધારો સંપૂર્ણપણે ફગાવી દીધો હોય તેમજ મિલકતવેરા અને પાણીવેરામાં વ્યાજમાફી જેવી યોજના ૨૪ કલાકમાં અમલી બનાવી હોય હવે આ બજેટ બોર્ડમાં વિરોધ શેનો કરવો તે મુદે કોંગ્રેસ ગોટે ચડી હોવાનું જાણવા મળે છે.
આગામી તા.૧૮ને બુધવારે સવારે ૧૧ કલાકે મળનારી બજેટ બોર્ડ મિટિંગના એજન્ડામાં બજેટ અને કરવેરાને લગતી કુલ ૧૧ દરખાસ્તો સમાવિષ્ટ છે જેમાં ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના સને૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના આવક-ખર્ચના વાર્ષિક હિસાબો( નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ્સ મેન્યુઅલની ગાઇડ લાઇનને અનુરૂપ)તથા ડિજિટલાઇઝ્ડ ફોર્મમાં જાળવેલા આનુષંગીક રેકર્ડ/દસ્તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજૂરી આપવા તેમજ ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રિવાઈઝ્ડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર મંજુર કરવા તેમજ આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર, પાણી દર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ, ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ, વાહન વેરો, થિયેટર ટેક્સ, એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા તેમજ મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા અને ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા સહિતની ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application