ઉનાળાની ઋતુમાં સૂર્યદેવ આકરા પાણીએ હોય છે ત્યારે બપોરની તેજ ધૂપ સીધી ઘરની દીવાલો પર પડે છે. આના કારણે સિમેન્ટ અને ઇંટો ભઠ્ઠીની જેમ તપી જાય છે અને ઘરની અંદર અસહ્ય ગરમી ટ્રાન્સફર થાય છે. આવી સ્થિતિમાં એસી કે કૂલર ચલાવવા છતાં રૂમ જોઈએ તેવો ઠંડો થતો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો એસીના તોતિંગ બિલ વગર ઘરને ઠંડુ રાખવાના કેટલાક દેશી અને સ્માર્ટ ઉપાયો અહીં રજૂ કર્યા છે
વાંસના પડદા અને ગ્રીન નેટનો જાદુ
બપોરના સમયે સૂરજના સીધા કિરણો દીવાલ અને બારીઓ પર તવાના જેમ ચોંટી જાય છે. આ આકરી ધૂપને રોકવા માટે ઘરની બહારની તરફ વાંસના પડદા (ચીક) લટકાવી દો. તે ગરમીને રોકવાની સાથે વાંસના બારીક છિદ્રોમાંથી તાજી હવાને રૂમમાં આવવા દે છે. આ ઉપરાંત, તમે બાલ્કની કે દીવાલ પાસે 75% પ્રોટેક્શન વાળી લીલી જાળી (ગ્રીન નેટ) પણ બાંધી શકો છો, જે ખૂબ જ સસ્તો અને ઉત્તમ શેડ ગણાય છે.
દીવાલો પર પાણીનો છંટકાવ કરો
સૂર્યાસ્ત થયા પછી, એટલે કે સાંજે 6 થી 7 વાગ્યાની આસપાસ ઘરની બહારની ગરમ દીવાલો પર ઠંડા પાણીનો છંટકાવ કરો. આમ કરવાથી કોંક્રિટની અંદર ભરાયેલી તમામ હીટ વરાળ બનીને તરત જ બહાર નીકળી જશે અને રાત્રે તમારો રૂમ ઝડપથી ઠંડોગાર થઈ જશે.
ઇન્ડોર પ્લાન્ટ્સથી રૂમને બનાવો નેચરલ એસી
ઘરના વાતાવરણને શુદ્ધ અને ઠંડુ રાખવા માટે દીવાલોની આસપાસ લીલાછમ છોડ વાવો. મની પ્લાન્ટ કે બોગનવેલિયા જેવા વેલાવાળા છોડ સૂર્યના સીધા પ્રકાશને દીવાલ સુધી પહોંચતા અટકાવે છે, જે કુદરતી કવચ તરીકે કામ કરે છે.
સોલર રિફ્લેક્ટિવ પેઇન્ટનો સ્માર્ટ ઓપ્શનજો બજેટ હોય તો ઘરની બહારની દીવાલો અને ધાબા (છત) પર 'સોલર રિફ્લેક્ટિવ પેઇન્ટ' કરાવી શકાય છે. આ ખાસ પ્રકારનો કલર સૂર્યના કિરણો અને તેની ગરમીને પાછા ધકેલી (રિફ્લેક્ટ કરી) દે છે, જેથી દીવાલો અંદરથી ગરમ થતી નથી.