રાજકોટના જંગલેશ્વરમાં આગામી સોમવારે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડીમોલેશન થવા જઈ રહ્યું હોય સંવેદનશીલ વિસ્તાર ને ધ્યાનમાં રાખી ડિમોલેશન દરમિયાન કોઈપણ પ્રકારનો કાકરી ચાળો કે ઘર્ષણ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ ઉપરાંત ડીમોલેશન દરમિયાન સતત ડ્રોન સ્ક્વોડની ટીમો દ્વારા લાઈવ કેમેરાથી વોચ રાખવામાં આવશે ડિમોલેશન પૂર્વે વિસ્તારમાં આજે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે તેમજ સાતથી પણ વધારે પોલીસ ટીમ દ્વારા વિસ્તારમાં ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સરકારી જમીનમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હોય જે અંગે કોર્પોરેશન દ્વારા આ સરકારી જગ્યા માં ટીપી શાખા દ્વારા 15 મીટરનો રોડ બનાવવા માટે ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોય જે સંદર્ભે અંદાજે 1492 જેટલા ગેરકાયદેસર બાંધકામ ડિમોલેશન કરવા ની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ના સુપરવિઝનમાં બંદોબસ્ત અંગેનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે તો બીજી તરફ આ જંગલેશ્વર ડિમોલેશન એ પોલીસ માટે પણ પડકારરૂપ હોય જેથી એક પણ પ્રકારનો કાકરીચાળો ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૨૨૦૦ જેટલા અધિકારી અને જવાનો નો કાફલો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે.
કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગરીયાના સુપરવિઝનમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ ડીસીપી રાકેશ દેસાઈ ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા દ્વારા તકેદારીના ભાગરૂપે જંગલેશ્વર વિસ્તારમાં આજે જુદી જુદી ટીમો દ્વારા બંદોબસ્ત માટે પોલીસના ધારે ધાડા ઉતારી દેવાયા છે આ ઉપરાંત વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ દરમિયાન કોર્પોરેશન તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા જંગલેશ્વરના ગેરકાયદેસર બાંધકામ ધરાવતા રહીશોને સ્વેચ્છાએ બાંધકામ તોડી પાડવા વિનંતી કરવામાં આવી છે અને જો નહીં તોડે તો સોમવારે તંત્ર દ્વારા તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવી તાકાત કરવામાં આવી રહી છે. જેના પગલે અમુક રહીશોમાં રીતસરનો રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર તેમજ કોર્પોરેશન તંત્રના અધિકારી કર્મચારીઓ સાથે બોલાચાલી અને ઘર્ષણ પણ થઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.
અમુક લોકો સ્વેચ્છાએ બાંધકામ તોડવા લાગ્યા
જંગલેશ્વરમાં સોમવારે 1492 જેટલા સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું હોય જે અંગે કોર્ટમાંથી પણ મંજૂરી મળી ગઈ હોય અમુક રહીશો પોતાની જાતે બાંધકામ તોડી પોતાનો સામાન ભરી અન્ય જગ્યાએ તો અમુક લોકો ત્યાં જગ્યા મળી ત્યાં પોતાનો સામાન રાખવા લાગ્યા છે.
અમુક રહીશોમાં ભભૂકીઓ રોષ મરી જઈશું જગ્યા નહીં છોડીએ
જંગલેશ્વર ડિમોલેશન પૂર્વે આજે કોર્પોરેશન તેમજ પોલીસ તંત્ર દ્વારા મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ વિસ્તારમાં ઓપરેશન ડિમોલેશન સંદર્ભે પહોંચ્યા છે ત્યારે અમુક રોસે ભરાયેલા રહીશો તંત્ર સામે ઘર્ષણ કરવાના મૂળમાં હોય તેમ ગમે તે થાય મરી જઈશું પણ જગ્યા નહીં છોડીએ તેઓ આક્રોશ દેખાડી રહ્યા છે.
દિવ્યાંગ અને વૃદ્ધ પરિવારો ની દયનીય દશા: ક્યાં જઈશું તેવો વલોપાત
જંગલેશ્વર ડિમોલેશન તંત્ર માટે પડકારરૂપ કામગીરી છે તો બીજી તરફ જેઓ એ ગેરકાયદેસર બાંધકામમાં રહી રહ્યા છે અને તેમના મકાનનું ડિમોલેશન થશે તેમાં ખાસ કરીને અમુક દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોની દશા ખૂબ દયનીય નજરે પડી રહી છે પોતાનો આશરો જઈ રહ્યો છે તો હવે જાવું ક્યાં તે તેના માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.