સૌરાષ્ટ્ર્ર યુનિ.માં સાત અધ્યાપકોએ પ્રમોશન માટે ખોટા સંશોધન પત્રો રજૂ કર્યાનો ધડાકો
સૌરાષ્ટ્ર્ર યુનિ.માં સાત અધ્યાપકોએ પ્રમોશન માટે ખોટા સંશોધન પત્રો રજૂ કર્યાનો ધડાકો
February 12, 2026 11:48 AM
સિનિયોરિટી માટેની કમિટીએ કોઈ પેપરની ચકાસણી જ ન કરી હોવાની પણ કેમ્પસમાં વ્યાપક ચર્ચા
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર કમલ મહેતાએ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત સિનિયર પ્રોફેસરનું પ્રમોશન મેળવવા માટે જૂની તારીખવાળા સંશોધન પત્રો પોતાના નામે ચડાવ્યા હોવાનો આક્ષેપ યુનિવર્સિટીની જ એકઝીકયુટીવ કાઉન્સિલના મેમ્બર ડોકટર નિદત બારોટે કર્યા બાદ આ પ્રકરણ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર હોટ ટોપીક બની ગયેલ છે. યુનિવર્સિટીના કેમ્પસ પર અત્યારે અધિકારીઓ, અધ્યાપકો સહિતનાઓમાં એક એવી ચર્ચા વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે કે આ પ્રકારે માત્ર એક અધ્યાપકે કયુ નથી. પરંતુ સાત અધ્યાપકોએ ખોટા સંશોધન પત્રો રજૂ કરીને પ્રમોશન મેળવવા માટેના પ્રયાસો કર્યા છે. સિનિયર અધ્યાપક માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ટોટલ ૪૧ અધ્યાપકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમાંથી અમુક તો નિવૃત્ત પણ થઈ ગયા છે. પરંતુ જો સિનિયર તરીકેનું પ્રમોશન મળે તો પગાર સહિતના ઘણા લાભ મળે તેમ છે. પરંતુ નીદત બારોટના વિરોધ પછી અત્યારે તો આ સમગ્ર પ્રક્રિયા જાણે સ્થગિત કરી દેવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. યુનિવર્સિટી કેમ્પસ પર તો એક એવી પણ જોરદાર ચર્ચા થઈ રહી છે કે જો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત સિનિયોરિટી મુજબ પ્રમોશન જાહેર થાય અને પછી એકિઝકયુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની રચના કરવામાં આવે તો મનગમતા સભ્યોને આવી કમિટીમાં લઈ શકાય તેવી સ્થિતિ ન હતી અને તેટલા માટે જ એકિઝકયુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની ઉતાવળે રચના કરી દેવામાં આવી છે અને તેમાં અમુક આવા અધ્યાપકો પણ ઘૂસી ગયા છે. સિનિયર અધ્યાપકોનું લિસ્ટ બનાવવાની વાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત આવી છે. સાતમા પગાર પચં પછી સિનિયર પ્રોફેસરો પગારના મામલે કુલપતિની સમકક્ષ ગણાતા હોય છે. એટલું જ નહીં યુનિવર્સિટી ગ્રાન્કટ કમિશનની જુદી જુદી નેશનલ કમિટીમાં પણ આવા અધ્યાપકોને સ્થાન મળતું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેના પ્રમોશન મેળવવા માટે અમુક અધ્યાપકોએ મોટા પ્રમાણમાં ગોટાળા કર્યા છે. કુલપતિએ આ મામલે તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જે પેપરો અધ્યાપકોએ પોતાના સંશોધન પત્રોના નામે ચડાવ્યા છે તે વાસ્તવિકમાં તેમના જ છે કે નહીં અને જે જનરલમાં છાપવામાં આવ્યા છે તેની વિશ્વાસનીયતા અને કાયદેસર બાબતે પણ તપાસ કરવાની વાતો ઉઠી રહી છે.