બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાના વિવાદ વચ્ચે ગઈકાલે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. જોકે મામલો બિચકતા પોલીસ પર પથ્થરમારો શરૂ થયો હતો અને પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં પાંચથી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે 85 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો લગાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ સિવાય અન્ય અજાણ્યા લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મહાપંચાયત દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રેન્જ આઈજીએ કર્યું સ્થળ નિરીક્ષણ
બોટાદમાં બબાલ અને પથ્થરમારાની ઘટના બાદ તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હડદડ ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જુનાગઢના ઇન્ચાર્જ રેન્જ આઈજી નિલેશ જાદડિયાએ જાતે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે હજુ વધુ ધરપકડ થવાની શક્યતાઓ છે.
બોટાદના હડદડ ગામમાં ગઈકાલે કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. આથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી.