BREAKING NEWS

દીકરી-જમાઇને ગામમાં બોલાવી ભૂલ કરી કહીને પરિવાર પર હુમલો

  • November 16, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા પરીવારના સભ્યને પિતરાઈ ભાઈના પરિવારોએ બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમે તમારા દીકરી-જમાઈને ગામમાં બોલાવીને ભૂલ કરી છે, હવે બોલાવ્યા તો સારાવાટ નહીં રહે કહી ઝપાઝપી કરી હતી.



પડધરીના તરઘડી ગામે રહેતા અશોક બલદેવભાઈ પરમાર(ઉ.વ.18) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રેમનાથ મહેશનાથ પરમાર, અભયનાથ જીતુનાથ પરમાર, જીગરનાથ ભકાનાથ પરમાર અને આનંદનાથ જીતુનાથ પરમાર (તમામ રહે. તરઘડી, પડધરી)નું નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ત્રણ ભાઈ-બહેન છે. જેમાં સૌથી મોટી બહેન પાયલબેન(ઉ.વ 21) ના લગ્ન જસદણ મુકામે માનવભાઈ મુન્નાભાઈ આકોલીયા સાથે થયા છે. જયારે યુવાનથી નાનો ભાઈ આકાશ (ઉ.વ. 17) છે.


ગઇ તા.10/11/2026 ના રાત્રીના સાડા નવ વાગ્યે યુવાન તથા તેના દાદા અને પિતા ઘરે સાથે બેઠા હતા. ત્યારે પિતરાઈ ભાઈ પ્રેમનાથ મહેશનાથ પરમારે ફોન કરી ગાળો આપી હતી. જેથી બાજુમાં દાદા બેઠા હોય તેમણે યુવાન પાસેથી ફોન લઇ પ્રેમનાથ સાથે વાત કરતા પ્રેમનાથ અને તેના પિતરાઈ ભાઈ અભયનાથ જીતુનાથ પરમારે કહેલ કે, તમે તમારી દીકરી અને જમાઈને અહીં તરઘડી ગામમાં બોલાવીને ભુલ કરી છે.


જેથી યુવકના દાદાએ કહ્યું હતું કે, મારા દીકરી-જમાઈને કેમ ના બોલાવુ? તો પ્રેમ અને અભયએ પરીવારને ફોનમાં જેમફાવે તેમ ગાળો આપી હતી. ગાળો આપવાની ના પાડતાં પ્રેમ અને અભય બંને ઉશ્કેરાઇ ગયા હતા અને બધાને ફોનમાં કહ્યું હતું કે, તમે અહીં મારા ઘરે આવો છો કે અમો બન્ને તમારા ઘરે આવીએ તેવી ધમકી આપી હતી. જેથી યુવાનના દાદાએ બન્નેને કહેલ કે, હું નહીં આવુ તો પ્રેમ અને અભય બંનેએ ગાળો આપી કહ્યું હતું કે, માનવને લઇને અહિ મારા ઘરે આવો, નહિ તો તમારી સવાર નહી પડવા દઈએ. જેથી અમે ગભરાઇ ગયેલ હોય અમે પરિજનો બહાર ગામ જતા રહ્યા હતા.



યુવાને વધુમાં જણાવ્યું હતું કે, ગઇ તા. 13/11/2026 ના રોજ સાંજના છ વાગ્યે મને મારા કાકાએ વાત કરી હતી કે, અભયનાથ તથા પ્રેમનાથ નાગબાઈ પાનની દુકાને બેઠા છે. જેથી હું તથા મારા કાકા રાહુલનાથ વલ્લભનાથ પરમાર, રોહીતનાથ વલ્લભનાથ પરમાર, મનોજનાથ દીલુનાથ પરમા2, મેહુલનાથ દીલુનાથ પરમાર, લાભુનાથ રાયમલનાથ પરમાર અને સમીરભાઈ અરવિંદભાઇ માંગરોડીયા સહિત તમામ પ્રેમનાથ તથા અભયનાથને સમજાવવા ગયેલ હતા.

જયા પ્રેમનાથ, અભયનાથ, જીગરનાથ ભકાનાથ પરમાર અને આનંદનાથ જીતુનાથ પરમાર બેઠા હતા. અમે તેમને સમજાવવા જતાં સામાવાળા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપી તમને બધાને તો આજે મારી જ નાખવા છે તેમ કહી ઝપાઝપી કરવા લાગેલ હતા. સામાવાળા કહેવા લાગેલ કે, તમારા જમાઇને હવે પછી ઘરે બોલાવ્યો તો સારાવાટ નહી રહે. દરમિયાન સ્થાનિકો એકત્રિત થઇ જતાં તેમણે વચ્ચે પડી અમને છોડાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application