BREAKING NEWS

આણંદમાં CMને ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા સરપંચના પરિવારે ખેડૂતને જીવતો સળગાવી દીધો

  • January 05, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આણંદ જિલ્લામાં એક હદૃયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ખેડૂતે ગામના મહિલા સરપંચ અને તેના પરિવાર વિરૂદ્ધ મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. આથી તેને જીવતો સળગાવી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે દાઝેલા ખેડૂતને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈ પોલીસે મહિલા સરપંચ સહિત પાંચ શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી મુજબ, આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો આવ્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલા ખેડૂતને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 


સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, આથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું. જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી આપવામાં આવી હતી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને મેસેજો મોકલાવવામાં આવ્યા કે 'તમને જીવતા નહીં છોડીએ', તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો અશોકભાઈ ઈકો ગાડી લઈને આવ્યા હતા. તેમણે મને ગડદાપાટુનો માર માર્યો હતો.


વધુમાં જણાવ્યું હતું કે, માર મારતા મારતા તેઓ મને ગામની વચ્ચે લઈ ગયા હતા. ત્યાં કોકિલાબેને મને પકડી રાખી નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. દિનેશભાઈએ મને લાત મારીને પાડી દીધો અને પછી મને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. દાઝેલી હાલતમાં ભરતભાઈને આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભરતભાઈની સ્થિતિ હાલ નાજુક છે. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરૂદ્ધ મારામારી, હત્યાના પ્રયાસની ક્લમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application