રાજકોટના રામનાથપરા સ્મશાન પાસે ભરાતી ફૂલ બજારને વહેલી સવારે છ વાગ્યે મહાપાલિકાના અધિકારીઓએ બંધ કરાવતા આજુ બાજુના ગામોમાંથી ફુલ વેંચવા આવેલા ખેડૂતો અને વેપારીઓમાંથી ભારે વિરોધ વંટોળ ઉઠ્યો હતો તેમજ ખેડૂતો ફૂલ સાથે મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી ગયા હતા. કોર્પોરેશન ચોક તેમજ કચેરીમાં ફુલ ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ફૂલ માર્કેટના વેપારીઓ અને આસપાસના ગામોના ખેડૂતો મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. વેપારીઓનું કહેવું છે કે, દરરોજ વહેલી સવારે ૪ થી ૮ વાગ્યા દરમિયાન અહીં ફૂલોની હરરાજી થાય છે. આજે તે અચાનક બંધ કરાવી દેવાતા ખેડૂતોનો તાજો માલ બગડી જવાનો ભય છે અને તેમની રોજીરોટી ઉપર અસર પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફૂલ માર્કેટ અગાઉ કેસરી પુલ પાસે પારેવડી ચોકમાં રોડ ઉપર ભરાતી હતી. પરંતુ ફુલ બજારને કારણે ત્યાં આગળ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના કારણે મનપાએ રામનાથપરા પુલ પાસે રૂ.૫૦ લાખના ખર્ચે ૮૩ થડા સાથેની નવી ફુલ બજાર બનાવી આપી છે. જો કે, પ્લેટફોર્મની ફાળવણી અને ઊંચા ભાડાને લઈને વેપારીઓમાં અસંતોષ છે.
દરમિયાન આજે વેપારીઓએ એવી માંગ કરી હતી કે, નવા માર્કેટમાં તમામને યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી જૂના સ્થળે ધંધો કરવા દેવામાં આવે.
પુષ્કળ ઉત્પાદન છે અને ભાવ ઉપજતા નથી તો અમારે શું ફૂલ ફેંકી દેવા? ખેડૂતો
રાજકોટમાં ફુલ વેંચવા આવતા ખેડૂતોએ મનપા કચેરીએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે ફૂલમાં પુષ્કળ ઉત્પાદન આવ્યું હોય પૂરતા ભાવ મળતા નથી, બીજી બાજુ જો મહાપાલિકા તંત્ર વ્હેલી સવારે ૬ વાગ્યામાં બજાર બંધ કરાવે તો અમારે ફુલ વેંચવા ક્યાં જવું ? ઓછામાં ઓછા સવારે આઠ વાગ્યા સુધી બજાર ચાલુ રહે તો જ ખેડૂતો પેટીયું રળી શકે તેમ છે.