BREAKING NEWS

જામનગર : ટેકાના ભાવે વેચેલ મગફળીનું પેમેન્ટ નહીં અપાતા ખેડૂતોની આર્થિક સ્થિતિ ડામાડોળ

  • December 27, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામજોધપુર તેમજ લાલપુર તાલુકાના ૯૦૦ થી વધુ ખેડૂતોના પેમેન્ટ ઘણા સમયથી બાકી હોવાનું ધારાસભ્ય હેમત ખવા દ્વારા જાણવા મળ્યું છે તેમજ હેમત ખવાએ કૃષિમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વહેચેલ મગફળીનું પેમેન્ટ ઘણા સમયથી અટકેલું જેના કારણે નવા પાક માટેના રૂપિયા હાલ ખેડૂતો પાસે નથી તેથી ખેડૂતોને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી પડી ગઇ છે, તાત્કાલિક ખેડૂતોને પેમેન્ટ આપવા માંગ કરેલ છે.


ખેડૂતે પરસેવો પાડીને મગફળી પકવી, સરકારી કેન્દ્ર પર લાઈનોમાં ઉભા રહીને માલ આપ્યો, પણ જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે સરકાર ટેકનિકલ કારણો આગળ ધરીને ખેડૂતોને ધક્કે ચડાવે છે. આ શબ્દો છે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાના, જેમણે જામજોધપુર અને લાલપુર તાલુકાના ખેડૂતોના અટવાયેલા પેમેન્ટ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે.


સરકારે આ વર્ષે મગફળીનો ભાવ રૂ ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ (એટલે કે ૨૦ કિલોના રૂ. ૧,૪૫૨) જાહેર કર્યો હતો. ખેડૂતોએ ખુશ થઈને સરકારી ખરીદી કેન્દ્રો પર પોતાની મગફળી વેચી દીધી. પરંતુ જામજોધપુર અને લાલપુર તાલુકાના ૯૦૦ જેટલા ખેડૂતો એવા છે જેમને માલ વેચ્યાને ઘણો સમય થયો હોવા છતાં તેમના બેંક ખાતામાં એક રૂપિયો પણ જમા થયો નથી. જ્યારે ખેડૂતો પૂછવા જાય છે ત્યારે તેમને એવું કહેવામાં આવે છે કે તમારા આધાર કાર્ડ કે બેંક ખાતામાં ભૂલ છે, અથવા ’લોટ આઈડી’ વેરિફિકેશન બાકી છે.


ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું છે કે, ખેડૂતોએ મગફળી વેચીને જે પૈસા આવવાના હતા, તેના ભરોસે રવિ પાક માટે જીરું, ધાણા અને ચણાના બિયારણ તેમજ ખાતર ખરીદ્યા હતા. ઓગસ્ટ-સપ્ટેમ્બરના ભારે વરસાદે પહેલેથી જ ખેડૂતોની કમર તોડી નાખી હતી. હવે જ્યારે ખેતરમાં નવો પાક નાખવાનો સમય છે. ત્યારે હાથમાં પૈસા ન હોવાથી ખેડૂતોએ સાહુકારો પાસેથી ઉંચા વ્યાજે નાણાં લેવા પડે છે.


હેમંત ખવાએ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને આક્રોશ સાથે પૂછ્યું છે કે, "જો ખેડૂતે માલ સાચો આપ્યો હોય, રસીદ સાચી હોય, તો પછી તમારા કોમ્પ્યુટરની ભૂલની સજા ખેડૂત કેમ ભોગવે?" ધારાસભ્યએ માંગણી કરી છે કે ખેડૂતોના બાકી રહેલા પેમેન્ટના ચુકવણા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application