હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની શક્યતા છે. રાજસ્થાનમાં ઉદ્ભવેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા અત્યાર સુધી કરવામાં આવતી વરસાદની અને માવઠાની આગાહીમાં ગુજરાતનો કે મધ્યપ્રદેશનો ઉલ્લેખ ન હતો. પરંતુ આજે આ બંને રાજ્યમાં પણ માવઠા માટેની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ જમ્મુ કશ્મીર લદાખ પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, લક્ષદીપ નિકોબાર ટાપુઓમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત આજે સેન્ટ્રલ પાકિસ્તાનમાં લો પ્રેસર સર્જાયું છે અને તે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થવાનું છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે પણ વાતાવરણ ડહોળાશે અને વરસાદ થશે તેવી શક્યતા છે.
માવઠા પછી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતા છે. આવતીકાલથી લઘુતમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સુધી બે દિવસમાં ઘટી જશે. જોકે આજે તો લઘુતમ તાપમાન વધુ ઉપર ગયું છે. રાજકોટમાં ગઈકાલે 14.8 ડિગ્રી હતું તે આજે વધીને ૧૭.૯ ડિગ્રી થયું છે. એટલે કે એક જ દિવસમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે. અમરેલીમાં સામાન્ય વધારે સાથે આજે 14.8 કંડલામાં એક ડિગ્રીના વધારા સાથે આજે 17.5 નલિયામાં દોઢ ડિગ્રીના વધારા સાથે આજે 12 પોરબંદરમાં સામાન્ય વધારા સાથે ૧૬.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ઓખામાં આજે ગઈકાલની સરખામણીએ બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઊતર્યું છે અને આવી જ રીતે ભાવનગરમાં પણ એકાદ ડિગ્રીનો ઘટાડો આજના લઘુતમ તાપમાનમાં થયો છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક દરિયાકાંઠાના વિસ્તારોમાં વધી ગયું છે. દમણમાં 91 સુરતમાં 90 પોરબંદર 80 ભાવનગર 83 દીવ 84% ભેજ આજે નોંધાયો છે