ઉના-વેરાવળ હાઇવે પર માર્ગ સલામતી અને વધતા અકસ્માતો ફરી એકવાર ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે. હાઇવે પર આવેલા કેસરિયા અને નાથળ ગામ વચ્ચેના કુખ્યાત ખાણિયાધાર વિસ્તાર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે આગળ જઈ રહેલા એક બાઈકને જોરદાર ટક્કર મારતા ૧૮ વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. ભાઈની નજર સમક્ષ જ બહેનનું અચાનક અવસાન થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાજરડી ગામના રહેવાસી પ્રીતમ વાળા પોતાની મોટરસાઇકલ પર માતા પાંચીબેન અને બહેન પ્રતિજ્ઞાબેનને બેસાડીને ઉના તરફ આવી રહ્યા હતા. કેસરિયા અને નાથળ ગામ વચ્ચે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેકાબૂ ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ફંગોળાઈને આગળ જતી એક ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બાઈક પર સવાર ત્રણેય સભ્યો રોડ પર પટકાયા હતા.
આ ગંભીર અકસ્માતમાં ૧૮ વર્ષીય યુવતી પ્રતિજ્ઞાબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાની નજર સામે જ દીકરીનું મોત થતાં માતા પાંચીબેન આઘાતમાં સરી જઈને સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થઈ ગયા હતા અને ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત માતા અને પુત્રને પ્રાથમિક સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક યુવતીના નશ્વર દેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાની પૂરપાટ ઝડપે ગાડી ભગાડીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાસ્થળે ઉપસ્થિત જાગૃત અને સાહસિક લોકોએ હિંમત દાખવીને ટ્રકનો લાંબો પીછો કર્યો હતો. આ ગ્રામસ્થોએ ઘટનાસ્થળથી અંદાજે ૧૦ કિલોમીટર દૂર સુધી જઈને નાસી રહેલા ટ્રક અને તેના ચાલકને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કર્યો હતો. બનાવની જાણ થતાં જ કાજરડી ગામના અસંખ્ય લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યારે ઉના પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કરૂણ દુર્ઘટના પાછળ એક અત્યંત હ્રદયદ્રાવક હકીકત પણ સામે આવી છે. કાજરડી ગામથી પ્રીતમ વાળા પોતાની માતા સાથે ઉના ખાતે એક સગાના ઘરે પુત્ર જન્મની ખુશીમાં અભિનંદન પાઠવવા માટે જઈ રહ્યા હતા. તે સમયે તેમની ૧૮ વર્ષીય બહેન પ્રતિજ્ઞા પણ નવા કપડાં ખરીદવાના હેતુથી તેમની સાથે બાઈક પર જોડાઈ હતી. પરિવારમાં ખુશીના અવસરની ઉજવણી કરવા માટે નીકળેલા આ ભાઈ-બહેન અને માતા પર અચાનક કાળનો પંજો ફરી વળ્યો હતો. સગાના ઘરે પ્રવર્તતી ખુશીનો માહોલ ક્ષણભરમાં શોકમાં ફેરવાઈ ગયો હતો અને આ દુર્ઘટનાએ કાજરડી ગામ સહિત સમગ્ર વિસ્તારને શોકાતુર બનાવી દીધો છે.