કુવાડવામાં નજીક વાદીપરા પાસે પિતા-પુત્ર પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુવાનને અગાઉ યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
કુવાડવા નજીક વાદીપરામાં રહેતાં મુન્નાનાથ રાણીનાથ મેર (ઉ.વ.૨૦) તથા તેના પિતા રાણીનાથ રૂપનાથ મેર (ઉ.વ.૭૦) પર ગામમાં જ રહેતાં જાગુનાથ, દેવનાથ સહિતનાએ હુમલો કરી ઢીકાપાટુનો મારમારી, તલવાર વડે હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
મુન્નાનાથે કહ્યું હતું કે તે ઘરેથી મોટરસાઇકલ હંકારીને બહાર જતો હતો ત્યારે દૈવનાથના ઘર પાસેથી જ રસ્તો નીકળતો હોઈ ત્યાંથી પસાર થતાં તેના સહિતનાએ તેને આંતરી અહિથી તું શું કામ નીકળે છે? કહી ગાળો દઇ ધમકાવી તલવારથી હુમલો કર્યો હતો. આ ઝઘડાની જાણ થતાં તેના પિતા રાણીનાથ બચાવવા વચ્ચે પડતાં તેને પણ તલવાર ઝીંકી દેવાઈ હતી. બંનેને લોહીલુહાણ હાલતમાં રાજકોટ ખસેડાયા હતાં. મુન્નાનાથે આક્ષેપ કર્યો હતો કે એક છોકરી સાથે તેને અગાઉ પ્રેમ હતો તેના કારણે પણ દેવનાથ સાથે મનદુઃખ હતું. બનાવ અંગે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application