પડધરીના ખોખરી ગામની સીમ આવેલા વોંકળામાંથી પિતા પુત્રના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પિતા પુત્ર તા.16ના બપોરે ઘરેથી નીકળી ગયા બાદ આજે વહેલી સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બનાવ આકસ્મિક છે કે આપઘાત જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને હાલ પડધરીના ખોખરા ગામે આવેલી અનિરુધ્ધસિંહની વાડીમાં ખેત મજૂરી કામ કરતા રાજેશ જુવાનસિંહ ડાવર (ઉ.વ.27) અને તેનો પુત્ર અરુણ (ઉ.વ.16) બંનેના કોહવાયેલા મૃતદેહ ગામની સીમમાં આવેલા પાણી ભરેલા વોંકળામાં રાહદારીને જોવા મળતા બનાવની જાણ ગામના લોકો અને પોલીસને કરવામાં આવતા પડધરી પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. મૃતક રાજેશની પત્ની રેણુબેનના કહેવા મુજબ બંને પિતા પુત્ર વચ્ચે ઝગડો થતા તા.16ના ઘરેથી નીકળી ગયા ગયા હતા. બાદ મોડે સુધી પરત ન ફરતા વાડી માલિકને જાણ કરી શોધખોળ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીર પુત્ર વોકળામાં ન્હાવા પડ્યો હોય અથવા તો પિતા સાથે ઝગડો થતા વોંકળામાં છલાંગ લગાવતા પિતા બચાવવા જતા તે પણ ડૂબી જતા ઘટના ઘટી હોવાનું લાગી રહ્યું છે. સાચું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવી શકે છે. પડધરી પોલીસે તપાસ યથાવત રાખી છે.