રાજકોટ શહેર પોલીસનો ખોફ ઓસર્યો છે. શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું હોય ત્યારે કાળી ચૌદસની રાત્રિના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં ટ્રીપલ હત્યાના ગણતરીના કલાકોમાં જામનગર રોડ પર આવેલ સીએલએફ કવાર્ટર્સમાં દીવાલમાં લખવા જેવી બાબતે મિત્રો વચ્ચે બોલાચાલીમાં સીઆઇડી ક્રાઇમના નિવૃત્ત પટાવાળાના યુવાન પુત્રનું છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દેવામાં આવતા શહેર પોલીસ સામે સવાલો ખડા થઈ રહ્યા છે. આ હત્યામાં આરોપીને શકંજામાં લઈ ક્રાઈમ બ્રાંચે આકરી પૂછતાછ હાથ ધરી છે.
કાળી ચૌદસની રાતે ત્રિપલ હત્યાનો બનાવ બન્યો
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકર નગરમાં કાળી ચૌદસની રાત્રે વાહન અથડામણ જેવા સામાન્ય બનાવમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણામાં સુરેશભાઈ પરમાર (ઉં.૪૦) તેનો નાનો ભાઈ વિજય પરમાર (ઉં.૩૮) અને સામા જૂથના અણ રાઠોડને ગંભીર ઇજાઓ થતા મોત નીપજતા બનાવ ટ્રીપલ હત્યામાં ફેરવાયો હતો.
૧૮ કલાક બાદ વધુ એક હત્યા
ત્યારે ટ્રીપલ હત્યાના ૧૮ કલાક બાદ વધુ એક હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જેમાં ગાંધીગ્રામના અક્ષર નગરમાં રહેતા કમલ બીપીનભાઈ મૂલિયાણા (ઉંમર વર્ષ ૨૮) નામનો ભીલ યુવક જામનગર રોડ રેન્જ આઇજીની ઓફિસ સામે આવેલ સીએલએફ કવાટરમાં હતો ત્યારે મિત્રો વચ્ચે થયેલ માથાકૂટમાં કમલ મુલિયાણાની હત્યા થયાની પોલીસને જાણ કરાતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી ક્રાઈમ બીબી બસીયા, એસીપી રાધિકા ભરાઈ પ્રનગર પીઆઇ વસાવા, ડી સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચની તેમજ એલસીબીની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.
અમિતનો પુત્ર અમન આવીને તેના પિતાને લઈ ગયો
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક કમળ મુલીયાણાના પિતા સીઆઇડી ક્રાઇમમાં અગાઉ ફરજ બજાવતા હોય આ કવાટર્સમાં જ રહેતા હતા. જેથી કમલ તેના પિતા નિવૃત્ત થયા બાદ ગાંધીગ્રામ ના અક્ષર નગરમાં રહેતો હતો. પરંતુ સીએલએફ કવાર્ટર્સમાં પોતાના મિત્રો સાથે નિયમિત મળતા હતા. ગઈકાલે સીએલએફ કોટર્સના બાપા સીતારામના ફોટા પાસે કમલ અને તેના અન્ય મિત્રો મોબાઇલમાં લુડો રમતા હતા તે વેળાએ અમિત કોળી સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતા અમિતનો પુત્ર અમન આવીને તેના પિતાને લઈ ગયો હતો.
પિતા-પુત્ર કમલને ગાળો ભાંડતા માથાકૂટ થઈ હતી
થોડીવાર બાદ અમિત કોળી અને તેનું પુત્ર અમન બંને ફરી સીએલએફ કોટર્સમાં આવ્યા હતા અને કમલ અને અન્ય મિત્રો કિશોર અફઝલ અશોક કેયુર અને કમલના ફઈબાનો દીકરો અમિત ત્યાં હાજર હતા તે વેળાએ અમિત કોળીએ પુત્ર અમને કોટર્સની દિવાલ ઉપર ચંદ્રેશ જુગારી છે તેવું લખવાનું કહેતા કમલે દિવાલ પર લખવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પિતા-પુત્ર કમલને ગાળો ભાંડતા માથાકૂટ થઈ હતી અને
હુમલા બાદ હુમલાખોર પિતા-પુત્ર નાસી છૂટ્યા હતા
જેમાં અમને કમલને પડખાના ભાગે તેમજ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ હુમલા બાદ હુમલાખોર પિતા-પુત્ર નાસી છૂટ્યા હતા. આ અંગે કમલના ફઈબાના દીકરાએ અમિતે તેના પરિવારને અને પોલીસને જાણ કરી હતી.
દિવાલમાં લખવા જેવી બાબતમાં કમલને પતાવી દીધો
ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક હત્યાના બનાવવામાં શંકાસ્પદ જણાતા અમિત ઉપરાંત અન્ય મિત્રોને ઉઠાવી લઈ પૂછતાછ હાથ ધરતા દિવાલમાં લખવા જેવી બાબતમાં અમિત કોળી અને તેના પુત્ર અમને કમલની હત્યા કર્યાનું બહાર આવતા અમનને સકંજામાં ખાઈ લીધો હતો અને નાસી છૂટેલા તેના પિતા અમિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ અંગે મૃતકના પત્ની કાજલબેન કમલભાઈ મુલીયાણાની ફરિયાદ પરથી પ્ર નગર પોલીસે અમિત કોળી અને તેના પુત્ર અમન કોળી સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
કમલની હત્યાથી પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી
મૃતક કમલેશને સંતાનમાં એક આઠ વર્ષની પુત્રી હોવાનુ અને રિક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચાલવતો હતો તેમજ તેના પિતા બીપીનભાઈ નિવૃત આઇઆઇડી ક્રાઈમમાં પટાવાળા અને કમલ એક બહેનનો એકનો એક ભાઈ હોવાનુ અને જામટાવર પાસે કવાર્ટરમાં મિત્રો વચ્ચે ની સામાન્ય બાબતમાં હત્યા થતા પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.