રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારૂતીનંદનનગર ખાતે ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી અને અદાવતને કારણે એક કરુણ હત્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર કૃણાલભાઇ અજીતભાઇ સિંધવ દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇ તારીખ ૮/૧૧/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા દસ-અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદી કૃણાલભાઇ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે મારૂતીનંદનનગર શેરી નં. ૦૩ માં આવેલા બાપા સીતારામ ચોક પાસે આરોપીઓ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને યશરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન ઇન્દ્રજીતસિંહે એક સળગતો ફટાકડો ફરિયાદી પર ફેંક્યો હતો. જ્યારે ફરિયાદીએ આ અંગે પૂછપરછ કરી ત્યારે બંને ભાઇઓએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આસપાસના લોકો વચ્ચે પડતાં તે સમયે મામલો શાંત પડ્યો હતો અને ફરિયાદી પોતાના ઘરે જતા રહ્યા હતા.
આ વાતની જૂની અદાવત રાખીને તારીખ ૯/૧૧/૨૦૨૬ ના રોજ મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે બંને આરોપીઓ ફરીથી ફરિયાદીના ઘરની ડેલી પાસે આવ્યા હતા અને પથ્થરમારો કરી જોરજોરમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. આ અવાજ સાંભળીને ફરિયાદી અને તેમના પિતા અજીતભાઇ ડેલી ખોલીને બહાર આવ્યા હતા. ચોક પાસે પહોંચતા જ આરોપી યશરાજસિંહે લાકડાનો ટુકડો ઝૂંટવીને અજીતભાઇના માથાના ભાગે ઘા માર્યો હતો.
જ્યારે પુત્ર કૃણાલભાઇ વચ્ચે બચાવ કરવા ગયા ત્યારે આરોપી ઇન્દ્રજીતસિંહે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને કૃણાલભાઇ ઉપર પેટના તથા વાંસાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. તેમજ વચ્ચે પડેલા પિતા અજીતભાઇને પણ પેટ અને વાંસાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેથી તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. આ હુમલામાં પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડી આવીને બચાવ કર્યો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે મધુરમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન અજીતભાઇ સિંધવનું મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી કૃણાલભાઇની સારવાર હાલ ચાલુ છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૨૯૬(બી), ૩૫૧(૩), ૩(૫) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર જયેશકુમાર મનસુખલાલ કૈલા દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.