દીકરીના આજે દીકરાના આવતીકાલે લગ્ન નિર્ધાયા હતાં: આધેડને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ ગણતરીની મીનિટોમાં ત્રણ એટેક આવી ગયા: સાતડા ગામે જ્યાં લગ્નગીત ગવાતા હતા ત્યાં મરસિયા ગવાયા
ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું ઉકિત મુજબ રાજકોટની ભાગોળે આવેલા સાતડા ગામે અતિ કરૂણ બનાવ બન્યો હતો. અહીં રહેતા કોળી આધેડની દીકરી અને દીકારાના લગ્ન નિર્ધાયા હોય પરિવારમાં ખુશીનો માહોલ હતો. આજે દીકરીની જાન આવવાની હતી અને આવતીકાલે દીકારની જાન જવાની હતી તે પૂર્વે જ આધેડને ગઇકાલે બપોર બાદ એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે આધેડે દમ તોડી દીધો હતો. જે પરિવારમાં લગ્નના ગીતો ગવાઇ રહ્યા હતાં તે ઘરમાં મરસિયા ગવાયા હતાં. હૃદયરોગના હુમલાથી આધેડનું મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ થઇ ગયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સાતડા ગામે રહેતા કોળી આધેડ દાનાભાઇ નાથાભાઇ મેઘાણી(ઉ.વ. ૫૦) ગઇકાલે બપોરના સમયે તેના ઘરે હતા જયારે અન્ય મહેમાનો બાજુના ઘરમાં હતા તે સમયે તેમને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા આ વાતની જાણ પરિવારજનોને થતા સ્થિતિ પામી જઇ પરિવારના સભ્યોએ તેમને પમ્પીંગ કરી બાદમાં ખાનગી વાહનમાં સારવાર માટે ગીરરાજ હોસ્પિટલ લઇ ગયા હતાં. હોસ્પિટલ ખસેડે તે પહેલા જ રસ્તામાં જ આધેડને વધુ બે એટેક આવ્યા હતાં. બાદમાં અહીં ટુંકી સારવાર બાદ આધેડે દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના એએસઆઇ જી.કે.રાઠવાએ અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,કોળી આધેડ દાનાભાઇ મેઘાણી ખતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. આધેડની મોટી દીકરી અને દીકરાના લગ્ન નિર્ધાયા હતાં. જેમાં મોટી દીકરીની આજે જાન આવવાની હતી જયારે દીકરાની આવતીકાલે જાન આવવાની હતી તે પહેલા જ ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થતા જે ઘરમાં લગ્ન ગીતો ગવાઇ રહ્યા હતા ત્યાં મરસીયા ગવાયા હતાં. બનવાને લઇ સમગ્ર ગામમાં શોકનો માહોલ થઇ ગયો હતો.
મોભીની વીદાય બાદ પરિવારે પ્રસંગ સાદગીથી પૂર્ણ કર્યો
સતડા ગામે રહેતા કોળી પરિવાર સાથે કરૂણ ઘટના બની હતી. દીકરી અને દીકરાના લગ્ન પહેલા જ ઘરના મોભી કોળી આધેડ દાનાભાઇ મેઘાણીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. ઘરના મોભીની અણધારી વીદાય બાદ પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારે બાદમાં સાદગી સાથે લગ્નવિધિ પૂર્ણ કરી હતી.