જસદણના પારેવાડા ગામે પત્નીના ચારિત્ર્ય ઉપરની શંકાના ઝગડામાં નશાખોર પિતાએ જ પુત્રનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા ચકચાર મચી જવા પામી છે.. હત્યારા પિતાએ પુત્રને બાજુમાં રહેતા રણજિતે ગળું દબાવી હત્યા કરી હોવાની સ્ટોરી ઉભી કરી બેભાન હાલતમા હોસ્પિટલે લઈ ગયો હતો. પરંતુ પત્નીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પતિને નશાની ટેવ હોવાની સાથે મારી ઉપર શંકા કુશંકા કરી અવાર નવાર ઝગડા કરતો હતો અને પુત્રને મારી નાખવાની ધમકી આપી તને ફિટ કરી દઈશ તેમ કહેતો હતો. પહેલાથી જ પોલીસના શંકાના પરિઘમાં રહેલા પિતાની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા અંતે ભાંગી પડ્યો હતો અને પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા વટાણા વેરી દીધા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણના પારેવાડા ગામે રહેતો વિજય ભલાભાઈ વાળા બુધવારે સાંજે પાંચ વર્ષના પુત્ર ઉમેશને લઈ જસદણ સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો ફરજ પરના તબીબે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કરતા બાળકના પિતા વિજયએ પુત્રને પોડોશી રણજિતએ મારી નાખ્યાનું જણાવતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ થતા ભાડલા પોલીસ હોસ્પિટલે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી કરી બાળકના પિતાની પુછપરછ કરતા નશાની હાલતમાં જોવા મળ્યો હતો અને પુત્રને પડોશી શખ્સ રણજિતે ગળું દબાવી મારી નાખ્યાનું જણાવતા પોલીસે પડોશી શખસની પુછપરછ હાથ ધરી હતી.
પુત્રને મારીને તને ફિટ કરી દઈશ તેમ ધમકી આપતો
બીજી બાજુ પોલીસે વિજયની પત્ની કાજલબેનને બોલાવી પુછપરછ કરતા પત્નીએ પતિ સામે જ પુત્રને મારી નાખ્યાનો આક્ષેપ સાથે કહ્યું હતું કે પતિ નશાની ટેવ ધરાવે છે અને મારી ઉપર ચારિત્ર બાબતે શંકા કુશંકા કરી અવાર નવાર ઘરમાં ઝગડા કરતો હતો તેમજ પુત્રને મારીને તને ફિટ કરી દઈશ તેમ ધમકી પણ આપતો હતો. બંને પુત્રને લઈને હું આટકોટ સગાને ત્યાં ચાલી જવાનું કહેતા મોટા પુત્ર ઉમેશને ઝૂંટવી લઇ ગયો હતો. આથી હું નાના પુત્ર અજયને લઇ આટકોટ આવી ગઈ હતી. પત્નીના આક્ષેપથી પોલીસના શંકાના દાયરામાં રહેલા વિજયની પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે જ પુત્રનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત આપતા પોલીસે કાયદેસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પુત્ર પાસે ભિક્ષાવૃતિ કરાવી પૈસાનો દારૂ ઢીંચી જતો
પોલીસ સમક્ષ હત્યારા પતિ વિજયની પત્નીએ જણાવ્યું હતું કે, પતિને દારૂની ટેવ હોવાથી પોતા પાસે પૈસા ન હોય એટલે પુત્ર ઉમેશને ભિક્ષાવૃતિ કરાવતો હતો ને જે પૈસા આવે એનો દારૂ ઢીંચી જતો હતો.