BREAKING NEWS

પુત્રની નજર સામે જ પિતાનું કાસળ કાઢી નાખ્યું, બર્થ-ડે મનાવતા હતા ને 5 શખ્સોએ હત્યા કરી, પત્નીનું હૈયાફાટ રૂદન

  • December 14, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર જિલ્લામાં એક ચોકાવનારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેનો બર્થ-ડે હતો તેને જ મોતને ઘાટ ઉતારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પુત્રની નજર સામે જ બની હતી. પતિના મોતથી પત્નીએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.


મળતી માહિતી મુજબ, કલોલ રેલવે પૂર્વમાં માત્ર ત્રણ દિવસ જૂના એક સામાન્ય ઝઘડાની અદાવતમાં મોડીરાત્રે પાંચ જેટલા શખ્સોએ તલવાર, લોખંડની પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરીને જાહેરમાં જ શ્રમજીવીની કરપીણ હત્યા કરી નાખી હતી. મૃતક 13 ડિસેમ્બરે તેમના જન્મદિવસની પાર્ટી મનાવી રહ્યા હતા, ત્યારે જ જૂની અદાવત રાખીને નવીન ઉર્ફે ભાણો સોલંકી, નયન ઉર્ફે કાભઈ સોલંકી સહિત પાંચ આરોપીઓ રિક્ષામાં ધસી આવ્યા હતા.


ખેંગારભાઈને રિક્ષાની ટક્કર મારી નીચે પાડી દીધા બાદ આડેધડ હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. પુત્રની નજર સામે જ પિતાને મોતને ઘાટ ઉતારી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ મામલે કલોલ શહેર પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલોલ રેલવે પૂર્વ ત્રિકમ નગરમાં રહેતા શ્રમજીવી ચેતન ઉર્ફે ચિરાગ અને તેના પિતા ખેંગારભાઈ સવાભાઈ પરમાર છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા. ગત તા. 10મી ડિસેમ્બરના રોજ નજીક રહેતા અશોકજી ઠાકોરના દીકરાના લગ્નનો જમણવાર ચાલતો હતો. જેના કારણે ઘરની આગળનો રસ્તો થોડીવાર માટે બંધ કર્યો હતો. તે વખતે રાત્રિના નવેક વાગ્યે નવીન ઉર્ફે ભાણો અમૃતભાઈ સોલંકી તેનું બાઈક લઈ નીકળ્યો હતો.


જમણવાર ચાલતો હોવાથી રસ્તો બંધ કર્યો હોવા છતાં બાઈક લઈને નીકળતા ખેંગારભાઈએ બાઇક રોકીને ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બધાએ વચ્ચે પડી ઝઘડો વધુ ઉગ્ર થતાં અટકાવી દીધો હતો. જે બાદ ગઈકાલે 13 ડિસેમ્બરે ખેંગારભાઈનો જન્મદિવસ હોવાથી તેમના મિત્રો અશોકજી ઠાકોર અને ચીકાજી ઠાકોર સાથે જન્મદિવસની પાર્ટીનું અંડરબ્રિજના સર્વિસ રોડ ઉપરના ફૂટપાથ ઉપર આયોજન કર્યું હતું.


આ દરમિયાન ચિરાગ અને તેનો મિત્ર કાંધલસિંહ કેકનો ઓર્ડર આપવા કલોલ બજારમાં ગયા હતા. જ્યારે જૂની અદાવત રાખીને નવીન ઉર્ફે ભાણો સોલંકી, નયન ઉર્ફે ટા ભાઈ સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમૃતભાઈ સોલંકી એમ કુલ પાંચ આરોપીઓ એક રિક્ષામાં ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ​આરોપી મનોજ મકવાણાએ પહેલા રિક્ષાની ટક્કર ખેંગારભાઈને મારી તેમને નીચે પાડી દીધા હતા.


ત્યારબાદ તમામ આરોપીઓએ તલવાર, લોખંડની પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો વડે ખેંગારભાઈના શરીર પર આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલાની જાણ થતા ​થતાં જ ખેંગારભાઈનો પુત્ર ચિરાગ સ્થળ પર દોડી ગયો હતો, પરંતુ આરોપીઓ તેને પણ જાનથી મારી નાખવા હથિયારો સાથે ધસી ગયા હતા. જેથી જીવ બચાવીને ચિરાગ ત્યાંથી ભાગી ગયો હતો.


આ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને તેમના મિત્ર અશોકજી ઠાકોર તાત્કાલિક શ્રદ્ધા હોસ્પિટલ લઈ ગયા હતા. ​ત્યાંથી તેમને સત્યમેવ હોસ્પિટલ ચાંદખેડા રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ ખેંગારભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચિરાગની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે નવિન ઉર્ફે ભાયો અમરતભાઇ સોલંકી, નયન ઉર્ફે કાભઇ પસાભાઇ સોલંકી, સોનુ મકવાણા,મનોજ મકવાણા અને અમરતભાઇ સોલંકી સોલંકી વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application