હળવદ તાલુકાના સુસવાવ ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ માનવતાને લજવી દીધી છે. એક પાષાણ હૃદયના પિતાએ પોતાની ચોથી પત્નીની જીદ અને ઘરકંકાસથી કંટાળીને પોતાના જ એક વર્ષના માસૂમ દીકરાને કાળઝાળ ગરમીમાં મરવા માટે છોડી દીધો હતો. આ માસૂમ બાળક નિર્જન ઝાડીઓમાં ભૂખ, તરસ અને ગરમીથી રિબાઈને મોતને ભેટ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે.
શું છે સમગ્ર ઘટના
ગત ૨ મેના રોજ હળવદના સુસવાવ ગામ પાસે સ્મશાન નજીક આવેલી નદીના કાંઠે બાવળની ઝાડીઓમાંથી એક વર્ષના બાળકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઉનાળાની આકરી ગરમીને કારણે મૃતદેહ ક્ષત-વિક્ષત થઈ ગયો હતો. હળવદ તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પિતા જ નીકળ્યો કાતિલ: ચાર લગ્ન અને કલેશની કહાની
પી.એસ.આઈ. એ.બી. મિશ્રા અને તેમની ટીમની ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે આ કરુણ મોતના જવાબદાર બાળકના પિતા ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણીયા (ઉં.વ. ૨૪) છે. આરોપી મૂળ દાહોદનો વતની છે અને રાયસંગપર ગામની સીમમાં મજૂરી કામ કરતો હતો. તપાસમાં ખુલેલી વિગતો મુજબ:
આરોપીએ અત્યાર સુધીમાં કુલ ચાર લગ્ન કર્યા છે.
મૃતક બાળક 'નવશિક' તેની ત્રીજી પત્ની રંગાબેનનું સંતાન હતું.
ત્રીજી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ બાળકની જવાબદારી પિતાએ લીધી હતી, પરંતુ તેની ચોથી પત્ની આ બાળકને રાખવા તૈયાર નહોતી.
બાળકની દેખરેખ બાબતે ચોથી પત્ની સાથે સતત થતા ઝઘડાઓથી કંટાળી પિતાએ માસૂમ દીકરાને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર આયોજન કર્યું હતું.
માસૂમનો કરુણ અંત
૨૪ એપ્રિલના રોજ બપોરે ૨ વાગ્યાની આસપાસ આરોપી પિતા પોતાના દીકરાને સુસવાવ નદી પાસેની કાંટાળી ઝાડીઓમાં ફેંકીને નાસી છૂટ્યો હતો. એક વર્ષનું આ માસૂમ બાળક નિર્જન જગ્યાએ એકલું હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભૂખ અને તરસથી તરફડીને મૃત્યુ પામ્યું હતું. જ્યારે પોલીસને લાશ મળી ત્યારે તે ઓળખી ન શકાય તેવી હાલતમાં કોહવાઈ ગઈ હતી.
હળવદ પોલીસે આ નરાધમ પિતા વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અને લોકો પિતાના આવા પાશવી કૃત્યની ફિટકાર વરસાવી રહ્યા છે.