જામનગરમાં સત્રાંત પરીક્ષા ટાંકણે બિલ્ડાથોનના ફતવાથી શિક્ષણજગતમાં ભારે દેકારો બોલી ગયો છે. વિકસિત ભારત બિલ્ડાથોનમાં ધો.૬ થી ૧૨ના વધુને વધુ છાત્રો ભાગ લે તે માટે સરકારી શાળાના આચાર્યો અને શિક્ષકોને તઘલખી ફરમાન કરવામાં આવ્યું છે. આટલું જ નહીં પરીક્ષા ચાલી રહી હોવા છતાં કાર્યક્રમના અંતિમ દિવસ પહેલા વિધાર્થીઓની ઉત્સાહ વધારવા શ્રેણીબધ્ધ પ્રવૃતિઓનું આયોજન કરવાની તાકીદથી અનેક સવાલ ઉઠયા છે.
જામનગર સહીત રાજયભરની સરકારી શાળાઓમાં ધો.૩ થી ૮ માં ૬ ઓકટોબરથી પ્રથમ સત્રાંત કસોટી શરૂ થઇ છે. ત્યારે રાજયની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્રારા જામનગર સહીત રાજયના તમામ જિલ્લા શિક્ષણાધીકારી, શાસનાધિકારીને ૧૩ ઓકટોબરના વિકસિત ભારત બિલ્ડાથોન-૨૦૨૫નું અસરકાર અમલીકરણ થાય તે અંગે પરિપત્ર પાઠવી સૂચના આપવામાં આવી છે. જેમાં વિકસિત ભારત બિલ્ડાથોનના ૧૩ ઓકટોબરના મુખ્ય દિવસે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી સીક્રોનાઇડઝ ટીંકકેરીંગ લાઇવ કવરેજ સાથે થશેેે. જે તમામ શાળાઓના ધો.૬ થી ૧૨ના વિધાર્થીઓ માટે રાષ્ટ્રવ્યાપી નવીનતા ચળવળ ઉભી કરશે તેમ જણાવી આ પહેલમાં વધુને વધુ બાળકો ભાગીદારી નોંધાવે તે માટે આચર્યો અને શિક્ષકોને સૂચના આપવામાં આવી છે.
પરિપત્ર અનુસાર આચર્યો અને શિક્ષકોને બિલ્ડાથોન કાર્યક્રમમાં ધો.૬ થી ૧૨ના વધુને વધુ બાળકો ભાગ લે તે માટે પ્રોત્સાહન આપવાની સાથે પોર્ટલ પર વિધાર્થીઓની સમયમર્યાદામાં નોંધણી કરવા આદેશ કરાયો છે. આટલું જ નહીં ભાગ લેનાર છાત્રોની ટીમને પ્રોજેકટ તૈયાર કરવા અને બનાવવા માટે અનુકૂળ વાતાવરણ, લેબ અને વર્ગખંડ પૂરા પાડવા સૂચના અપાઇ છે.
તદઉપરાંત વિધાર્થીઓને તેમની અંતિમ એન્ટ્રીઓ અપલોડ કરવા માર્ગદર્શન, અંતિમ દિવસ પહેલા છાત્રોનો ઉત્સાહ વધે તે માટે શ્રેણીબઘ્ધ પ્રવૃતિઓનું આયોજન કરવા ફતવારૂપી આદેશ કરાયો છે. આટલું જ નહીં શાળાઓમાં મુખ્ય સ્થળોએ વિભાગ દ્રારા શેર કરાયેલા પોસ્ટર પ્રદર્શીત કરવા પણ સૂચના અપાઇ છે. નવાઇની વાત તો એ છે કે, સત્રાંત પરીક્ષા ચાલી રહી છે ત્યારે વાલીઓ, શિક્ષકો અને વિધાર્થીઓ વચ્ચે વ્યાપકપણે વિકસિત ભારત બિલ્ડાથોન જીંગલ અને લોગોનો પ્રસાર કરવા તાકીદ કરાઇ છે. પોર્ટલ પર વિધાર્થીઓની ટીમોની નોંધણી કરવા શિક્ષકોને મદદ કરવા જણાવાયું છે. જયારે ધો.૬ થી ૧૨ના વિધાર્થીઓને ૫ થી ૭ સભ્યોની ટીમમાં જોડાવવા, વીડીયો બનાવી પોર્ટલ પર સબમીટ કરવા તાકીદ કરાઇ છે.
પરીક્ષા દરમ્યાન બિલ્ડાથોનથી વિકસિત અને આત્મનિર્ભર ભારતની સફળતા સામે સવાલ
રાજયની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્રારા શિક્ષણાધિકારીઓને પાઠવેલા પરિપત્રમાં બિલ્ડાથોનની રાષ્ટ્રીય પહેલનો ઉદેશ ધો.૬ થી ૧૨ના વિધાર્થીઓને વિકસિત ભારતના વીઝન સાથે સંકલીત-આત્મનિર્ભર ભારત,સ્વદેશી,વોકલ ફોર લોકલ અને સમૃઘ્ધ ભારત થીમ પર વિચાર અને પ્રોટોટાઇપ બનાવવા પ્રેરણા આપવાનો છે. પરંતુ ધો.૬ થી ૮ માં ચાલુ સત્રાંત પરીક્ષાએ બિલ્ડાથોનના ફતવાથી પરિણામ પર માઠી અસર થશે તે શકયતા નકારી શકાતી નથી. ત્યારે પરીક્ષા દરમ્યાન આ પ્રકારના આયોજનથી કાર્યક્રમના વિકસિત અને આત્મનિર્ભર ભારતની સફળતા ના હેતુ સામે સવાલ ઉભા થયા છે.
૧૩ ઓકટોબરના અંગ્રેજી વિષયનું પેપર છે, પરીક્ષાના મહત્વ સામે સવાલ
જામનગરની સરકારી શાળાઓના ધો.૬ થી ૮ ના બાળકો ૧૩ ઓકટોબરના બિલ્ડાથોન કાર્યક્રમમાં ભાગ લે તે માટે તમામ બાળકોની ફરજીયાત નોંધણીનો આદેશ વડીકચેરી દ્રારા કરવામાં આવ્યો છે. ત્યારે સત્રાંત પરીક્ષા ચાલી રહી હોય ધો.૬ થી ૮ માં ૧૩ ઓકટોબરના અંગ્રેજીનું પેપર છે. ચાલુ પરીક્ષાએ આ પ્રકારના કાર્યક્રમના ફતવાથી પરીક્ષાના મહત્વ સામે અનેક સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ શાળાના શિક્ષકો અને છાત્રો આ કાર્યક્રમમાં જોતરાતા નબળા પરિણામ સહીતની સમસ્યા સર્જાશે તો જવાબદાર કોણ તે મુદો ચર્ચાનો વિષય બન્યો છે.