BREAKING NEWS

સૌરાષ્ટ્રના પેટાળમાં નવા જૂની!, પાંચ કલાકમાં અધધ..11 ભૂકંપના આંચકા, ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં બાળકોને રજા અપાઈ

  • January 09, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આજે ભૂકંપના આંચકા આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. વહેલી સવારથી બપોર સુધીમાં એક પછી એક એમ 11 આંચકા નોંધાતા ધરતી ધણધણી ઉઠી હતી. આજે વહેલી સવારથી બપોર સુધીમાં માત્ર પાંચ કલાકમાં ભૂકંપના અગિયાર આંચકા નોંધાતા જેતપુર, ધોરાજી, જૂનાગઢ, ગોંડલ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી. સૌથી વધુ ભૂકંપની અસર જેતપુર અને ધોરાજી તાલુકામાં થઈ છે. આથી જેતપુર અને ધોરાજી તાલુકાની શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી. 


લોકો જાગીને ઘરની બહાર દોડી આવ્યા

ભૂકંપના આંચકાને કારણે ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારોમાં લોકો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરોની બારીઓ અને વાસણો ખખડી ઉઠ્યા હતા. તેમજ સિલિંગ ફેન પણ ડોલવા લાગ્યા હતા. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી.


ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં બાળકોને રજા અપાઈ

રાજકોટના ડીઇઓ દિક્ષિત પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી જેતપુર અને ધોરાજી પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. આ સંજોગોની અંદર આજે વહેલી સવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉપલેટા અને ગોંડલમાં પણ ક્યાંક ક્યાંક અસરો થઈ હતી. વધુ અસર ધોરાજી અને જેતપુરમાં થઈ છે. આથી જેતપુર અને ધોરાજી તાલુકાની અંદર શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હતી. શિક્ષકોને શાળા કક્ષાએ હાજર રાખવામાં આવ્યા છે. ભૂકંપથી કોઈ શાળાના બિલ્ડિંગને ક્ષતિ પહોંચી હોય તેનો સર્વે અમે કરાવીશું. જે શાળામાં ક્ષતિ પહોંચી છે ત્યાં વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર બેસાડવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. સ્થાનિક કક્ષાએથી પણ શાળાના આચર્યોને વિદ્યાર્થીઓને રજા આપવાની સત્તા આપી દેવામાં આવી છે. ખાનગી શાળાઓને પણ સૂચના આપી દેવામાં આવી છે.​​​​​​​


જાણો કેટલા વાગ્યે કેટલી તીવ્રતાનો આંચકો નોંધાયો

સૌથી પહેલો ભૂકંપનો આંચકો સવારે 6.19 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 3.8ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 28 કિમી દૂર પૂર્વ ઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.7 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. બીજો આંચકો 6.56 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 2.9 હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 24 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.8 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.


ત્રીજો આંચકો બે મિનિટ પછી 6.58 વાગ્યે નોંધાયો હતો, જેની તીવ્રતા 3.2 હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.9 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. ચોથો આંચકો 7.10 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 2.9ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.1 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.


પાંચમો આંચકો ત્રણ મિનિટ બાદ એટલે કે 7.13 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 2.9ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 13.6 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. છઠ્ઠો આંચકો 20 મિનિટ બાદ એટલે કે 7.33 વાગ્યે નોંધાયો હતો અને તેની તીવ્રતા 2.7ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12.6 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. સાતમો આંચકો 8.34 વાગ્યે નોંધાયો હતો અને તીવ્રતા 3.2ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 13.1 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.


સવારે 8.34 વાગ્યે અને 9.45 વાગ્યે ફરી બે ભૂકંપના આંચકા આવ્યા હતા. બંને સમયે તીવ્રતા એકસરખી 3.2ની જ હતી. બંનેનું એપી સેન્ટર પણ ઉપલેટાથી 27 કિલોમીટર દૂર પૂર્વઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર 12 કિલોમીટરથી વધુની ઊંડાઈએ નોંધાયું હતું. દસમો અને અગિયારમો આંચકો 11.41 અને 11.44 વાગ્યે નોંધાયો હતો અને બંને વખતે તીવ્રતા 2.6ની હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 26 કિલોમીટર દૂર નોંધાયું હતું. 


શું કામ આવે છે ભૂકંપના આંચકા

રાહતની વાત એ છે કે હજુ સુધી ક્યાંયથી પણ કોઈ મકાન ધરાશાયી થવાના કે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, સૌરાષ્ટ્રના પથરાળ વિસ્તારમાં જમીન નીચે થતા નાના ફેરફારોને કારણે આ પ્રકારના આંચકા અનુભવાતા હોય છે. 


ગઈકાલે સાંજે ઉપલેટામાં ભૂકંપ આવ્યો હતો

ગત રાત્રે 8:43 વાગ્યે ઉપલેટા પંથકમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આથી જેતપુર, જૂનાગઢ, ધોરાજી સહિતના આસપાસના વિસ્તારોની પણ ધરતી ધણધણી ઉઠી હતી. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 30 કિલોમીટર પૂર્વે ગઢાડા ગામ આસપાસના વિસ્તારોમાં જમીનની ૩૦ કિલોમીટર ઉંડાઈએ નોંધાયું હતું. 


ગઈકાલે સાંજ ખાંભા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

ગઈકાલે સાંજના ૭:૧૬ વાગ્યે ખાંભા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ખૂબ જ ટૂંકા સમય માટે હતો, પરંતુ તેની અસર અનેક ગામડાઓમાં જોવા મળી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૯ નોંધાઈ હતી. ભૂકંપના આ હળવા આંચકાની ઇંગોરાળા, નાના વિસાવદર. નાની ધારી, અનીડા સહિતના ગામોમાં અસર થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application