લાલપુર તાલુકામાં કોલેરાનો પાંચમો કેસ પોઝીટીવ નોંધાયો છે. હજુ ૪ દર્દી સારવારમાં છે. ૩ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે. આરોગ્ય વિભાગ દ્રારા ૮૦ મકાનનો સર્વે કરાયો છે. એક સાથે પાંચ શંકાસ્પદ દર્દી આવ્યા હોવા છતાં કોલેરાના રીપોર્ટ એક પછી એક જાહેર થવાનું કારણ શું છે તે એક તપાસનો વિષય બન્યો છે.
જામનગર શહેરમાં કોલેરાના ૨૦ થી વધુ કેસ નોંધાયા બાદ જિલ્લામાં કોલેરાએ માથું ઉચકયું છે. પ્રથમ નાઘેડી અને બાદમાં લાખબાવળમાંં કોલેરાના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. બીજી બાજુ લાલપુરમાં સોમવારે કોલેરાના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આથી તમામ દર્દીને સારવાર અર્થે સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં. જે પૈકી પ્રથમ એક બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ અન્ય ચાર દર્દી પૈકી એક મહીલાનો રિપોર્ટ બુધવારે અને ગુવારે એક સગર્ભા મહીલા અને પ્રૌઢાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી કોલેરા પોઝીટીવ કેસનો આંકડો વધીને ચાર પર પહોંચ્યો હતો.
શુક્રવારે વધુ એક મહીલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા કોલેરાના કેસનો આંકડો પાંચ પર પહોંચ્યો હતો. આમ પાંચેય શંકાસ્પદ દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોલેરાના ૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૩ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે. જયારે ૪ દર્દી સારવારમાં છે. આરોગ્ય વિભાગ દ્રારા ૮૦ ઘરનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૩૩૮ વસતીને આવરી લેવામાં આવી છે. કુલ ૧૪ ઓઆરએસ અને ૭૪૦ કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તદઉપરાંત પાણીના કલોરીનેશન સહીતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. શહેર બાદ જિલ્લામાં કોલેરાનો રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ તો ગ્રામજનોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.