પ્રજા વત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીનું નામ જેમની સાથે જોડાયેલું છે તેવી ભાવનગરની યુનિવર્સિટીમાં કુલપતિના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) અને ભવનના વડા વચ્ચે ખુલ્લા હાથની જાહેરમાં મારામારી થવા પામી હતી. યુનિવર્સિટીના કામકાજના કલાકો દરમિયાન પીએનએ ચેમ્બરમાં બનેલી આ ઘટનામાં પીએનું શર્ટ ફાટી ગયું હતું અને હેડ ઓફ ડીપાર્ટમેન્ટને હોઠ તથા ગાલમાંથી લોહી નીકળવા લાગ્યા હતા.
શિક્ષણ જગત માટે અત્યંત શર્મનાક એવી આ ઘટનાની બહાર આવતી વિગત મુજબ ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે આગામી તારીખ 17 ના રોજ લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનાર સંદર્ભે જરૂરી મંજૂરી અને બહાલી માટેની ફાઈલો ઘણા સમયથી કુલપતિ સમક્ષ રજુ કરવા માટે તેમના પીએને આપી હતી. આંતરરાષ્ટ્રીય સેમીનારનો દિવસ નજીક આવતો હોવા છતાં આવી ફાઇલ પર કોઈ પ્રકારના નિર્ણય ન લેવાતા આ બાબતે પૂછપરછ કરવા માટે લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ભારતસિંહ ગોહિલ કુલપતિના પી.એ ચિરાગ જોશી પાસે ગયા હતા અને વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને થોડા સમયમાં જ આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.
આ ઘટના સંદર્ભે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. એટલું જ નહીં, યુનિવર્સિટીના સત્તાવાળાઓ પણ આ મામલે બોલવાનું ટાળી રહ્યા છે. દરમિયાનમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ સમગ્ર પ્રકરણ બાબતે માફામાફી થઈ જતા હવે આ પ્રકરણ બંધ કરી દેવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ એક સિસ્ટમ પ્રમાણે કોઈપણ કામગીરી માટે કુલપતિનો સીધો સંપર્ક સાધવાના બદલે તેમના પીએ મારફત કામ થતું હોય છે. આ કિસ્સામાં પણ તે મુજબ પૂછપરછ કરવામાં આવી હતી અને હવે સેમિનાર આડે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે ત્યારે ત્વરિત યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે ભડકો થયો હતો.