BREAKING NEWS

ગોંડલમાં મકાન ભાડે આપવા બાબતે પાડોશીઓ વચ્ચે મારમારી: બે ઘવાયા

  • October 17, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલમાં મકાન ભાડે આપવા બાબતે પડોશીઓ વચ્ચે મારામારી થતાં છરીનો ઘા લાગતાં બે ઘવાયા હતાં. આ અંગે સામસામી ફરિયાદના આધારે છ શખસો સામે ગોંડલ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


બનાવ અંગે ગોંડલના અજમેરાનગરમાં રહેતાં જયદિપસિંહ શિવાભાઈ અશોકસિંહ (ઉ.વ.૨૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નરેન્દ્રસિંહ ધરમેન્દ્રસિંહ ઝાલા, હરવિજયસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને હાર્દિકસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (રહે. ત્રણેય ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રામદ્વારા પાસે પૂજાપાન નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.


ગઈ તા. ૧૫ ના રાત્રિના ૧૧/૩૦ વાગ્યાની આસપાસ તેઓ પૂજા પાન નામની દુકાને હતો ત્યારે પડોશમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલાનો ફોન આવ્યો હતો કે, તારા પિતા મકાન ખાલી કરવા બાબતે અમારી પંચાત કરે છે, તેને કહી દેજે બંધ કરી દે નહીંતર મજા નહીં આવે તેમ કહી ગાળો બોલવા લાગેલ અને કહેલ કે, તું ચોકડીયે આવી જા, આજે તને જોઈ લેવો છે. જેથી તે તેના ભાઈ દેવરાજસિંહ ઝાલા તથા ફઇબાના દીકરા કુલદીપસિંહ જાડેજા દુકાનેથી આશાપુરા ચોકડી ખાતે જવા નીકળેલ અને ભવાની હોટલ પાસે પહોંચતા ત્યાં નરેન્દ્રસિંહ ઝાલા તથા તેમના બે દીકરા હરવિજયસિંહ ઝાલા, હાર્દિકસિંહ ઝાલા ત્રણેય ત્યાં ઉભા હતા.


યુવાન કારમાંથી ઉતરતાં જ ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા ત્યારે સાથેના નાના ભાઈએ ઝપાઝપી કરતા છોડાવેલ ત્યારે આ નરેન્દ્રસિંહ પાસે રહેલ છરી જેવા હથિયારથી છાતીમાં, પીઠના ભાગે તથા પગમાં ગોઠણના ભાગે ઘા ઝીંકી દિધા હતાં. તેમજ તેમને ધક્કો નીચે પછાડી દીધેલ અને બાદમાં ત્રણેય શખ્સો નાસી છુટેલ હતાં. બાદમાં તેઓને સારવાર અર્થે ગોંડલ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


જ્યારે સામા પક્ષે ગોંડલમાં રહેતાં નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૪૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયદીપસિંહ ઉર્ફે શીવો અશોકસિંહ ઝાલા, દેવરાજસિંહ ઉર્ફે દેવો ઝાલા અને કુલદીપસિંહ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા. ૧૫ ના તેઓ ઘરનો સામાન તેમના જુના ઘરે શિફ્ટ કરતો હતો ત્યારે પાડોશમા રહેતા અશોકસિંહ ઝાલા ત્યા આવેલ અને કહેવા લાગેલ કે, આ મકાનમાં કોન ભાડે રહેવા આવે છે અને આ મકાનનુ તમે શું કરશો તેમ ખોટી પંચાત કરવા લાગેલ હતા.


બાદ ફરીયાદીએ તેના દિકરા જયદીપસિંહ ઉર્ફે શિવા ઝાલાને ફોન કરીને કહેલ કે, આ તારા બાપા મારી સાથે ખોટી પંચાત કરે છે, મારે ને તમારે કાઇ લેવા દેવા નથી. જેથી તેને કહેલ કે, તુ આવી જા આશાપુરા ચોકડી બાદ તેઓ તેમના પુત્રો સાથે વાત કરવા માટે આશાપુરા ચોકડી ભવાની હોટેલ પાસે ગયેલ હતા. તેઓ ઘરેથી સેફ્ટી માટે એક શાકભાજી સુધારવા માટેની છરી સાથે લઇ ગયેલ હતો. ત્યા પહોંચતા જ જયદીપસિંહ, દેવરાજસિંહ અને કુલદિપસિંહ જાડેજા ત્રણેય ત્યાં ઉભા હતાં અને કુલદિપસિંહ ઉર્ફે શીવાએ ગાડીમાથી ઉતારી તેમને સાઇડમા લઇ ગયેલ અને ગાળો આપી ત્રણેય એકદમ ઉશ્કેરાઇ જઇ તેમને તથા બન્ને દિકરાઓને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં.


તેઓના દિકરા હરવિજયસિંહ ને ઝપાઝપીમાં નીચે પડી જતા કપાળ તથા બન્ને હાથની કોણીના ઇજા થયેલ અને અમારા વચ્ચે ઝપાઝપી થઇ હતી અને જયદીપસિંહ તેમની પર ચડી જતાં બચાવમા તેઓએ સાથે રાખેલ છરી કાઢી આ જયદીપસિંહને મારી હતી. બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application