BREAKING NEWS

ગોંડલમાં પતંગના પેચ લગાવવા બઘડાટી, બે પરિવારો એકબીજા પર છરી- પાઇપ વડે તુટી પડ્યા, એકની લોથ ઢળી, ચાર ઘાયલ

  • January 15, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકરસંક્રાંતિ પર્વ ગોંડલમાં લોહિયાળ સાબિત થયું હતું. અહીં આવેલા ભગવતપરામાં એક જ જ્ઞાતિના પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે પતંગનો પેચ કાપવા જેવી બોલાચાલી થયા બાદ સશસ્ત્ર અથડામણ થઈ હતી. બંને એકબીજા પર છરી પાઇપ સહિતના હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેમાં 38 વર્ષીય યુવાન અનીલ પૂંજાબાઇ લુણાસીયાનું મોત થયું હતું. જયારે ચારને ઇજા પહોંચી હતી. આ અથડામણ અંગે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં પોલીસે હત્યા,મારમારી સહિતની કલમો હેઠળ કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


હત્યા અને મારામારીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગોંડલના ભગવતભરા શેરી નંબર ૨૫/૧૪ ના ખૂણે રહેતા અનિલ પુંજાભાઈ લુણાસિયા (ઉ.વ. 38) નામના યુવાન પર ઉત્તરાયણના દિવસે બપોરે બારેક વાગ્યે પાડોશમાં રહેતા સુનીલ મકવાણા તેના ભાઈ સાગર મકવાણા અને તેના પિતા કાંતિ મકવાણા સહિતનાએ છરી,ઇંટ વડે હુમલો કર્યો હતો. જેમાં અનિલને ગંભીર ઈજા પહોંચતી હતી અનિલને બચાવવા વચ્ચે પડેલી તેની ભાણેજ નિશાબેન સોંદરવાને પણ ઈજા થઈ હતી. સામા પક્ષે સુનિલ કાંતિભાઈ મકવાણા (ઉ.વ. 26), સાગર કાંતિભાઈ મકવાણા (ઉ.વ. 22) અને બંનેના પિતા કાંતિ ઉદયભાઇ મકવાણા (ઉ.વ. 49) ને પણ ઈજા પહોંચતા તેમને પણ ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


ઘટના બાદ ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો ઘવાયેલા ચારેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અનિલ લુણાસીયા (ઉ.વ. 38) નું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવવા અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ભોગ બનનાર અનિલની ભાણેજ નિશાબેન સોંદરવા (ઉ.વ. 23) ની ફરિયાદ પરથી સુનિલ તેનો ભાઈ સાગર અને તેના પિતા કાંતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, મારા મામા અનિલભાઈ તેમજ હું મારા માતા મીનાબેન, નાની પ્રભાબેન સહિતના અગાસી ઉપર પતંગ ઉડાવતા હતા. બારેક વાગ્યે મામા અનિલભાઈને પાડોશમાં રહેતા સુનિલ મકવાણા સાથે પતંગ ઉડાડવા બાબતે બોલાચાલી થઈ હતી આ પછી સુનીલના પિતા કાંતિભાઈએ ઇંટોના છૂટા ઘા કર્યા હતા. બાદમાં બધા નીચે ઉતરી ગયા હતા અને શેરીમાં માથાકૂટ થઈ હતી જેમાં સુનીલ તેના ભાઈ અને પિતાએ મામા અનિલભાઈ પર લાકડી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું.


સામાપક્ષે સાગર કાંતિભાઈ મકવાણા (ઉ.વ. 21)ની ફરિયાદ પરથી અનિલ લુણાસીયા તેની ભાણેજ નિશા અને તેની બહેન મીના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદમાં સાગરે જણાવ્યું હતું કે, હું મારો ભાઈ સુનિલ તેના પત્ની સંધ્યાબેન પુત્ર મારા પિતા સહિતના પતંગ ઉડાવતા હતા. દરમિયાન પાડોશી અનિલભાઈ સાથે પેચ લગાવી તેની પતંગ કાપી નાખતા બોલાચાલી અને ગાળાગાળી કરતા હોય તે પછી તેમણે અમારી અગાસી તરફ પથ્થરના ઘા કર્યા હતા. જેમાં મારા ભાભી સંધ્યા બેને આ લોકોને માથાકૂટ કરવાની ના પાડી હતી. આ પછી બધા શેરીમાં ભેગા થયા હતા અને ગાળાગાળી બાદ અનિલ સહિતનાએ છરી વડે હુમલો કરતા મને મારા ભાઈને અને મારા પિતાને ઈજા થઈ હતી. ગુસ્સો આવતા અનિલભાઈ પાસે રહેલી ઝૂંટવી તેને ઘા મારી દીધા હતા અનિલની બહેન મીનાના હાથમાં લાકડાનું પાટિયું હતું જે મને વાસા તથા હાથનાભાગે માર્યું હતું અને મારા પિતાને પણ પાટિયાથી ઈજા થઈ હતી. ગુસ્સો આવતા નજીકમાં પડેલી ઇંટ અનીલને માથામાં મારી દીધી હતી.


હત્યાનો ભોગ બનનાર અનિલને સંતાનમાં ચાર વર્ષનો દીકરો પ્રિયાંશ છે. તેના પત્નીનું નામ નીરૂબેન છે અને પિતા હયાત નથી માતાનું નામ પ્રભાબેન છે અનિલભાઈ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તે બે ભાઈ અને બે બહેનમાં નાના હતા.

બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે સામસામી ફરિયાદના આધારે હત્યા મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application