ભારતીય વાયુસેનાના કાફલામાં ફ્રન્ટલાઈન ફાયટર જેટ તેજસ આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં તેજસને વધુ એક દુર્ઘટના નડી હતી અને બ્રેક ફેલ થતા ફાઇટર જેટ ફ્રન્ટલાઈન એરબેઝના રનવે પરથી નીચે ઉતરી ગયું હતું.જો કે પાયલોટ સુરક્ષિત બહાર આવી જતા કોઈ જાન હાની થઈ ન હતી, પરંતુ આ ઘટના પગલે વાયુ સેનાએ મહત્વનો નિર્ણય લીધો છે અને કાફલામાં સજ્જ 30 સિંગલ-સીટ તેજસ જેટને વ્યાપક તકનીકી નિરીક્ષણ માટે ગ્રાઉન્ડેડ કરી દીધા છે.
ઘટનાની વધુમાં મળતી વિગતો અનુસાર આ મહિનાની શરૂઆતમાં શંકાસ્પદ બ્રેક ફેલ થયા બાદ ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ફ્રન્ટલાઈન એરબેઝ પર રનવે પરથી નીચે ઉતરી ગયું, જેના કારણે નોંધપાત્ર માળખાકીય નુકસાન થયું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. વિમાન તાલીમ ઉડાન પછી બેઝ પર પરત ફરી રહ્યું હતું.જો કે ભારતીય વાયુસેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રો કહે છે કે આ ઘટનાએ લગભગ 30 સિંગલ-સીટ તેજસ જેટના સમગ્ર કાફલાને વ્યાપક તકનીકી નિરીક્ષણ માટે ગ્રાઉન્ડેડ કરી દીધો છે.
તેજસ જેટ સાથે જોડાયેલો આ ત્રીજો અકસ્માત હતો. પહેલો અકસ્માત માર્ચ 2024 માં થયો હતો, જ્યારે તેજસ જેટ જેસલમેર નજીક ક્રેશ થયું હતું. બીજી ઘટના નવેમ્બર 2025 માં બની હતી, જ્યારે દુબઈ એરશોમાં એરોબેટિક પ્રદર્શન દરમિયાન તેજસ જેટ ક્રેશ થયું હતું.
આ અકસ્માત તેજસ એમકે-1એ પ્રોગ્રામમાં વિલંબ વચ્ચે થયો છે, જેમાં આઈએએફ દ્વારા 180 એમકે-1એ ફાઇટર પ્લેનનો ઓર્ડર આપવા છતાં ડિલિવરી લગભગ બે વર્ષ પાછળ રહી ગઈ છે. ગયા સપ્ટેમ્બરમાં, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ એમકે-1એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવા માટે ₹62,370 કરોડના બીજા સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ બહુ-ભૂમિકા ફાઇટર હવાઈ સંરક્ષણ, દરિયાઈ જાસૂસી અને સ્ટ્રાઇક મિશન માટે સક્ષમ છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, દુબઈ એરશોમાં ભાગ લેતી વખતે સંયુક્ત આરબ અમીરાતમાં એક તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. પાઇલટ, વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ, ગંભીર ઇજાઓ સાથે ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. ક્રેશના ભયાનક દ્રશ્યો હજુ પણ લોકોના માનસપટ પર અંકિત છે અને આગનો ગોળો બની ગયેલા વિમાનમાંથી સ્યાલ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યો ન હતો.