BREAKING NEWS

'મારા પરિવારનો કે પત્નીનો કોઈ વાંક નથી, માથે દેણું નથી...'ગોંડલમાં પુત્ર-પુત્રીને ગળેટૂંપો આપી જીવન ટૂંકાવનાર યુવકનો અંતિમ વીડિયો

  • May 09, 2026 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ કોટડા સાંગાણીના સાંઢવાયા ગામના વતની અને છેલ્લા 15 વર્ષથી ગોંડલમાં 'ગાયત્રી સિમેન્ટ'નું કારખાનું ચલાવતા 35 વર્ષીય જયપાલ તોગડીયાએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ગઈકાલે સવારે જયપાલભાઈ તેમના 15 વર્ષના પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને હંમેશની જેમ વહાલથી ઘરેથી પોતાની સાથે કારખાને લઈ ગયા હતા. કોઈને અંદાજ પણ નહોતો કે આ તેમની છેલ્લી મુલાકાત હશે.

કારખાનામાં પહોંચ્યા બાદ જયપાલભાઈએ પ્રથમ પોતાના બંને સંતાનોને ગળાટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. સંતાનોના નિષ્પ્રાણ દેહ જોયા બાદ પિતાએ પણ કારખાનાના પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. ધંધો ન ચાલતા માનસિક તણાવમાં આત્મઘાતી પગલું ભર્યું હતું.


તેજસ્વી તારલાઓનો અકાળે અસ્ત

આ કરુણાંતિકામાં જીવ ગુમાવનાર બંને બાળકો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. પુત્ર મિશ્ર (15 વર્ષ) ગોંડલની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં તેણે 70% ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું. પુત્રી રિવા (10 વર્ષ) રામોદની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બંને બાળકોના અકાળે અવસાનથી તેમના મિત્રો અને શિક્ષકોમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.


યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો, શું કહ્યું?

આ આત્યંતિક પગલું ભરતા પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ધંધો બરાબર ચાલતો ન હોવાથી અને આર્થિક મુશ્કેલીઓ વધતા તે આ પગલું ભરી રહ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ગોંડલ અને રાજકોટ પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


મારા પરિવારનો કે પત્નીનો કોઈ વાંક નથી

આત્મહત્યા કરતા પહેલા જયપાલભાઈએ એક ભાવુક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પોતાની માનસિક સ્થિતિનું વર્ણન કર્યું હતું. વીડિયોમાં તેમણે જણાવ્યું કે "હું આ મારી જિંદગીનું છેલ્લું પગલું ભરી રહ્યો છું. આમાં મારા પરિવારનો કે પત્નીનો કોઈ વાંક નથી. મારી માથે એક રૂપિયાનું દેણું નથી, પણ એક વર્ષથી મારો ધંધો ચાલતો નથી. બીજો ધંધો કરવાની મારામાં આવડત નથી.


મારા છોકરાવને પણ સાથે લઈ જાવ છું

વધુમાં જણાવ્યું કે, હું આ અંતિમ પગલું ભરી રહ્યો છું અને મારા છોકરાવને પણ સાથે લઈ જાવ છું. છ મહિનાથી મને ઊંઘ નથી આવતી, જમવું ભાવતું નથી. મે બધા પ્રયાસ કરી લીધા છે પણ મગજ મારો અસ્થિર થઈ ગયો છે. હું ગાંડો થઈ જાઉં એવી પોઝિશન છે."


તેમણે વીડિયોમાં અલ્પેશભાઈ નામના વ્યક્તિને સંબોધીને તુરંત કારખાને આવવા અને પોતાના માતા-પિતાનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. સાથે જ પોલીસ તંત્રને વિનંતી કરી હતી કે, તેમના પરિવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application