વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૧મી મેના રોજ 'સોમનાથ અમૃત પર્વ' નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ-શો સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગરદર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સાગરદર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રૉડ શૉના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ સહિત એકબીજા વિભાગના સંકલન સાથે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આગમન સ્થળ હેલિપેડથી લઈ હમીરજી ગોહિલ સર્કલ સુધીના રૉડ શૉ અને સમગ્ર મંદિર પરીસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ રોડ શૉના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ માર્ગોની સુવિધાઓનું અવલોકન કરી સંબંધિત અધિકારીઓને બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અત્યારે ગરમીની ઋતુ હોવાથી વડાપ્રધાનના રોડ શો અને સભાસ્થળ ખાતે નાગરિકોને ગરમી ન થાય તે માટે સ્પ્રિંકલર્સ અને પાણી-છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનો કર્યા હતાં.
આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, અનિરૂદ્ધ દવે સહિત પદાધિકારીઓ અને અગ્રસચિવ અશ્વિનીકુમાર સહિતના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.