રાજકોટ શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૨૦૦ને પાર પહોંચી જતાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રદૂષણની આ ગંભીર સ્થિતિ લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમરૂપ ગણવામાં આવી રહી છે. પ્રદૂષિત હવાના કારણે શહેરના તમામ નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગળામાં બળતરા થવી તેમજ આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મોડી રાત્રે AQI ૩૩૨ સુધી પહોંચ્યો
રાજકોટમાં ગત રાત્રે પ્રદૂષણના આંકડાઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
રાત્રે ૧૧:૩૧ વાગ્યે: AQI ૩૦૫
રાત્રે ૧૨:૦૧ વાગ્યે: AQI ૨૭૮
રાત્રે ૧૨:૩૧ વાગ્યે: AQI ૩૨૧
મોડી રાત્રે ૧:૦૧ વાગ્યે: AQI ૩૩૨ (સૌથી વધુ)
રાત્રે ૧:૩૧ વાગ્યે: AQI ૨૯૨
આ આંકડા દર્શાવે છે કે રાત્રિના સમયે હવાની ગુણવત્તા 'અત્યંત નબળી' અને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી શ્રેણીમાં પહોંચી ગઈ હતી.
બે દિવસ ફટાકડા ફોડાતા પ્રદૂષણ વધવાની ભીતિ
નૂતન વર્ષ અને દિવાળીની ઉજવણી દરમિયાન નાના બાળકો અને યુવાનો દ્વારા મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડામાંથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે હવા સતત દૂષિત બની રહી છે. આજ રોજ ૮ નવેમ્બરના દિવાળીનું પર્વ હોવાથી શહેરમાં સૌથી વધુ ફટાકડા ફૂટશે. આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે પડતર દિવસ હોવાના કારણે લોકો સતત બે દિવસ સુધી ફટાકડા ફોડશે, જેનાથી આવનારા દિવસોમાં વાયુ પ્રદૂષણ વધુ વિકરાળ બને તેવી શક્યતા છે.
તબીબોની મહત્વપૂર્ણ સલાહ
આ પ્રકારની ગંભીર સ્થિતિમાં સ્વાસ્થ્ય જાળવવા માટે ડોક્ટરો દ્વારા ખાસ સલાહ આપવામાં આવી છે. નાગરિકોએ ઘરની બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ. હાલ પૂરતું સવારના સમયે મોર્નિંગ વોક કે કસરત કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, ઘરમાં દૂષિત હવા ન આવે તે માટે બારી-બારણાં બંધ રાખવા અને શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવું અત્યંત જરૂરી છે.
હવાની ગુણવત્તાના સ્તરને સમજવા માટેનું વર્ગીકરણ નીચે મુજબ છે
0થી 50 AQI (સારી): હવા એકદમ સાફ અને સલામત છે.
51થી 100 AQI (સંતોષજનક): હવાની ગુણવત્તા સામાન્ય છે, પરંતુ સંવેદનશીલ લોકો માટે સામાન્ય તકલીફ થઈ શકે.
101થી 200 AQI (મધ્યમ): અસ્થમા કે ફેફસાની બીમારી વાળા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
201થી 300 AQI (ખરાબ): લાંબો સમય બહાર રહેવાથી સામાન્ય લોકોને પણ શ્વાસની તકલીફ થઈ શકે છે.
301થી 400 AQI (ખૂબ જ ખરાબ): હવા ઝેરી બનવા લાગે છે. લાંબો સમય સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
401થી 500 AQI (ગંભીર/જોખમી): હવા અત્યંત ઝેરી ગણાય છે. આ સ્તરે તંદુરસ્ત માણસો પણ બીમાર પડી શકે છે અને અગાઉથી બીમાર લોકો માટે મોટું જોખમ ઊભું થાય છે.