રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વર્તમાન બોર્ડની મુદત પૂરી થવા આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આજે સવારે 11:30 વાગે ઘેલા સોમનાથ ખાતે મળેલી રાજકોટ જિલ્લા પંચાયતની કદાચ છેલ્લી ગણી શકાય તેવી સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ જો કોઈ કર્મચારીનું અવસાન ચાલુ ફરજ દરમિયાન થાય તો તેના પરિવારને આર્થિક સહાય જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી ખાતે પાન મસાલા માવા ગુટકા કે તેની બનાવટો ખાઈને જાહેરમાં થુકવા પર પ્રતિબંધ લાદતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જો આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને કોઈ વ્યક્તિ જ્યાં ત્યાં થુકશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય આજની સામાન્ય સભામાં લેવાયો છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં સ્થળાંતરના અંદાજે રૂપિયા 65 લાખના ખર્ચ મામલે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે તેને 25 દિવસ જેટલો સમય પસાર થઈ જવા છતાં હજુ નકકર કાર્યવાહી થઈ નથી તેવી ફરિયાદ કરવામાં આવી હતી, જોકે આ બાબતમાં 65 લાખના કુલ ખર્ચમાંથી 20 લાખનું ચુકવણું થયું છે અને બાકીનું પેમેન્ટ અટકાવી દેવાયું છે.
રાજકોટ જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભા તારીખ 21 જુલાઈના રોજ મળી હતી અને હવે આગામી ચૂંટણીના અનુસંધાને જાન્યુઆરી માસથી જ ચૂંટણી આચાર સહિતા લાગુ પડી જાય તેવી શક્યતા છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા દર ત્રણ મહિને બોલાવવામાં આવતી હોય છે. આ મુજબ હવે નવી સામાન્ય સભા મળે તેવી શક્યતા નહિવત છે.